હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું વૈશ્વિક આશાનું કિરણ : છેલ્લા ૭ વર્ષમાં ૧૭૩ બચ્ચાંનો જન્મ : ગુજરાત મોડેલ વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર!
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે લુપ્તપ્રાય ભારતીય વરૂના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી : વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અત્યાધુનિક સુવિધાઓથી સફળતા

ગાંધીનગર, ૧૯ જૂન ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત વન્યજીવ સંરક્ષણ માટે કટિબદ્ધ પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતે ઇન્ડિયન ગ્રે વુલ્ફ (ભારતીય વરૂ - કેનિસ લ્યુપસ પૅલિપસ) ના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફ એક લુપ્તપ્રાય માંસાહારી પ્રાણી છે, જે હાલ માનવીય પ્રવૃત્તિઓના કારણે વસવાટના વિનાશનો સામનો કરી રહ્યા છે.
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય: વરૂ સંરક્ષણનું નવું કેન્દ્ર
ભારતમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ભાગોમાં જોવા મળતા ઇન્ડિયન ગ્રે વુલ્ફની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ પ્રાણી લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની સૂચિ ૧ હેઠળ સુરક્ષિત છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ અને પુનરુત્પાદન માટે આશાનું કિરણ બન્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફ સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ (CBP) નું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે, જે તેની વિશિષ્ટતા દર્શાવે છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂના ૧૭૩ બચ્ચાંનો જન્મ:
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અત્યાધુનિક સુવિધાઓ અને વિશેષ પ્રજનન પહેલ દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. અહીં ભારતીય વરૂના પોષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંવર્ધન અને પ્રજનન વ્યવસ્થાપન દ્વારા સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ વેગવાન બની રહ્યો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા સાત વર્ષમાં વરૂના કુલ ૧૭૩ બચ્ચાંનો જન્મ થયો છે, જેમાં ૨૦૧૯-૨૦માં ૧૪, ૨૦૨૦-૨૧માં ૭, ૨૦૨૧-૨૨માં ૩૧, ૨૦૨૨-૨૩માં ૩૩, ૨૦૨૩-૨૪માં ૪૦ અને ૨૦૨૪-૨૫માં ૪૮ બચ્ચાંનો સમાવેશ થાય છે. આ આંકડા સંવર્ધન કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
ભારતીય વરૂઓની વ્યાપક સંભાળ:
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ હેઠળ વરૂઓને ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક અને જરૂરી હોય તો સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. સાથે જ, ખોરાક અને પાણી સલામત અને ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, નિયમિત આરોગ્ય તપાસ, સેમ્પલ કલેક્શન, અને ત્વરિત તબીબી સંભાળ દ્વારા ભારતીય વરૂના આરોગ્ય પર સઘન દેખરેખ રાખવામાં આવે છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને આ વરૂઓના રક્ષણ માટે રાત્રિ આશ્રય અને ક્રાલ (મજબૂત વાડ) ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારતીય વરૂઓના વસવાટમાં સ્વચ્છતાનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે છે. તેમને નિયમિતપણે રસી આપવામાં આવે છે, દર ત્રણ મહિને ડીવૉર્મિંગ કરવામાં આવે છે અને રસીકરણ બાદ એન્ટીબૉડી લેવલ પણ તપાસવામાં આવે છે.
સંવર્ધન વ્યવસ્થાપન અને ભવિષ્યની આશા:
પ્રજનન માટે જોડીઓની પસંદગી આનુવંશિક વિવિધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મેટિંગ, ગર્ભાવસ્થા, ફીડિંગ વગેરે પ્રવૃત્તિઓનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે છે. ભારતીય વરૂઓની કુદરતી વર્તણૂકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ખોરાક ઉપરાંત, ગંધ અને વાતાવરણમાં ફેરફાર જેવા પરિબળોનું ધ્યાન રાખવામાં આવે છે. મેટિંગ બાદ માદા વરૂની ગોપનીયતા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન માદા વરૂના હોર્મોન પરીક્ષણ, પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવામાં આવે છે અને બચ્ચાંનો જન્મ થયા બાદ સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેમનું નિયમિત વજન અને આરોગ્ય તપાસવામાં આવે છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતે વન્યજીવોના સંરક્ષણમાં અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
