<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

જામનગરનાં સાહિત્યકાર લેફ્ટ. ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ'ને એક સાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડ : અરવિંદ સુવર્ણચંદ્રક અને હરિલાલ દેસાઈ પારિતોષિક એનાયત થશે!

'આગવો કબીર' પુસ્તકને ૨૦૨૦નો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક, જ્યારે 'રવિન્દ્રનાથનો કલાવૈભવ'ને હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક : નગરના સાહિત્ય જગતમાં આનંદની લહેર

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર : જામનગરનાં વરિષ્ઠ સાહિત્યકાર લેફ્ટ. ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને ગુજરાતી ભાષાના બે પ્રતિષ્ઠિત પુરસ્કારો, શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક અને હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક, એનાયત થવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઘોષણાથી નગરના સાહિત્ય જગતમાં આનંદ અને ગૌરવની લહેર વ્યાપી ગઈ છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ નાં પારિતોષિકોની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ડો. સતિષચંદ્ર વ્યાસના પુસ્તક 'આગવો કબીર' ને વર્ષ ૨૦૨૦ નો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક એનાયત થશે. આ ઉપરાંત, તેમના અન્ય પુસ્તક 'રવિન્દ્રનાથનો કલાવૈભવ' ને વર્ષ ૨૦૨૦ નું હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક એનાયત કરવાની પણ ઘોષણા થઈ છે. એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાથી નગરના ગૌરવમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' નાં અનેક પુસ્તકો સાહિત્ય જગતમાં સન્માન પામ્યા છે. ખાસ કરીને બાઉલ પરંપરા વિશેનાં તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયા છે, જે તેમની સંશોધનાત્મક દ્રષ્ટિ અને ઊંડા અભ્યાસને દર્શાવે છે. આ ઉપરાંત, સંશોધન અને પુરાતત્વ ક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
ગુજરાતી ભાષાનો આ પ્રતિષ્ઠિત સન્માન અને પારિતોષિક પ્રાપ્ત થવાની ઘોષણા થતાં જ નગરનાં સાહિત્ય જગતમાં ઉત્સાહનો માહોલ છે અને સાહિત્યકાર પર કલા જગત દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે. ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' નાં આ યોગદાન બદલ જામનગર અને સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત ગર્વ અનુભવી રહ્યું છે.

(8:53 PM IST)