<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

રવિવારે જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી :૪.૪૨ લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે : જુઓ વિડીયો

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત ૧,૫૦૦ જેટલા જવાનોની નિમણુક : ૬ તાલુકાના ૪૨૬ મતદાન મથક ખાતે ૨,૨૪૪ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપાઈ : જિલ્લામાં વિવિધ ૬ કેન્દ્રો પર તા.૨૫ જૂને મતગણતરી હાથ ધરાશે: મતદારો, મતદાન મથકો અને કાયદો-વ્યવસ્થાના આયોજન અંગેની વિગતો રજૂ કરતા જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ

જામનગર: જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાઓની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ આગામી તા. ૨૨/૦૬/૨૦૨૫ રવિવારના રોજ યોજાનાર છે. આ અંગેની વિગતો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તથા જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદના માધ્યમથી રજૂ કરી હતી.
    ગ્રામ પંચાયત ચૂંટણી - ૨૦૨૫ અન્વયે જામનગર જિલ્લામાં ૨૫૪-સામાન્ય, ૧૦-વિભાજનવાળી, ૨-મધ્યસત્ર તથા ૬૦-પેટા ચૂંટણી એમ કુલ-૩૨૬ ગ્રામ પંચાયતોના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પૈકી, હરીફાઈમાં રહેલ ગ્રામ પંચાયતોમાં ૧૭૪-સામાન્ય, ૬-વિભાજનવાળી, ૧-મધ્યસત્ર તથા ૬-પેટા ચૂંટણી એમ કુલ-૧૮૭ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાનાર છે.
  જામનગર જિલ્લામાં કુલ ૬૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થયેલ છે, જ્યારે ૭૯ ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થવાથી તેમજ અમુક બેઠકો ખાલી રહેવાથી મતદાન યોજાનાર નથી. હરીફાઈમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજીત ૨,૨૬,૩૮૬ પુરુષ મતદારો તથા ૨,૧૬,૧૭૮ સ્ત્રી મતદારો મળી કુલ ૪,૪૨,૫૭૭ મતદારો મતદાન કરશે. હરીફાઈ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના કુલ ૪૨૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૦૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે કુલ ૫૮ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવેલ છે, જેમાં રિઝર્વ સહિત ૬૯ ઝોનલ/મદદનીશ ઝોનલની નિમણૂક કરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે કુલ-૧૮ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ તાલુકાના ૪૨૬ મતદાન મથક ખાતે કુલ ૨૨૪૪ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે. મત ગણતરી કેન્દ્ર ખાતે કુલ-૩૪૦ સ્ટાફને મત ગણતરી ફરજ સોંપવામાં આવનાર છે.
   ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની મતદારયાદીમાં નોંધાયેલ કુલ-૧૨૩ સેવા મતદારોને ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે. ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોના મતદાન મથકો ખાતે તથા સ્ટ્રોંગરૂમ તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતે પોલીસ ફોર્સ તથા હોમગાર્ડ મળી આશરે ૧૯૧૫ જવાન તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં નક્કી કરવામાં આવેલ ૬ સ્ટ્રોંગરૂમ તથા ૬ મત ગણતરી કેન્દ્ર ખાતે અંદાજે ૨૪૦ પોલીસ ફોર્સ તથા ૩૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવેલ છે. મતદાનનો સમય સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલ છે. મતદાનના દિવસે તા. ૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર) ના રોજ જિલ્લા કક્ષાએ ચૂંટણી અંગેની ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમના સંપર્ક નં. (૦૨૮૮) ૨૫૪૧૯૬૦ છે. મતદાન તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ રજા જાહેર કરવા અંગેનો આદેશ કરવામાં આવેલ છે.
   પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ વિગતો આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત 1500 જેટલા જવાનોની નિમણુક કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એલસીબી એસ.ઓ.જી., કયુ.આર.ટી.ની ખાસ ટીમોને પણ ફરજ સોંપવામાં આવી છે.અત્યાર સુધીમાં 2000 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસતંત્રએ અટકાયતી પગલા લીધા છે સાથે જ બે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે જ્યારે 20 લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
  મતગણતરી તા. ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ હાથ ધરવામાં આવશે. આ મતગણતરી જામનગર તાલુકા માટે ડી.કે.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામનગર ખાતે; કાલાવડ તાલુકા માટે જે.પી.એસ. સ્કૂલ, કાલાવડ ખાતે; લાલપુર તાલુકા માટે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લાલપુર ખાતે; જામજોધપુર તાલુકા માટે એ.વી.ડી.એસ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર ખાતે; ધ્રોલ તાલુકા માટે હરધ્રોલ હાઈસ્કૂલ, ધ્રોલ ખાતે; જ્યારે જોડિયા તાલુકા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોડિયા ખાતે યોજાશે.

(9:42 PM IST)