<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિસાવદરમાં પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરાયા ચારેયબાજુથી બુથ કેપ્ચરિંગની ખબરો: આપ ના ગંભીર આક્ષેપો

લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરાયાનો પણ આક્ષેપ

વિસાવદર: લાંબા રાજકીય ગરમાવા બાદ ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દરમિયાન વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું છે.

ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું છે. લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પણ શેર કર્યો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિસાવદરના તમામ બૂથની લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવી છે અને ચારે તરફથી બૂથ કેપ્ચરિંગની ખબરો આવી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે વાઘણિયા ગામમાં મતદાન અધિકારીએ રોક્યા તો તેની સાથે મારપીટ કરવામાં આવી. ઉપરાંત, પાંચસોથી આઠસો વોટવાળા નાના ગામોમાં પણ ચારે તરફથી કેપ્ચરિંગની ખબરો આવી રહી છે.

તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો કે, ECI દ્વારા બૂથની લાઇવ સ્ટ્રીમિંગ બંધ કર્યા બાદ ભાજપના ઉમેદવારે પોતે કરિયા ગામનો બૂથ કેપ્ચર કર્યો અને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી થઈ હતી. ગોપાલ ઇટાલિયાએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, ચૂંટણી પંચે કોના કહેવાથી લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરી? આ આક્ષેપો બાદ વિસાવદર બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે.

(10:04 PM IST)