<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

જામનગર પત્રકાર મંડળના સભ્યોનો પરિવાર સાથેનો સિદ્ધિવિનાયક ગણેશ મંદિર અને વડીલ વાત્સલ્ય ધામનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો

વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૦ :  જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા એવી જામનગર પત્રકાર મંડળ દ્વારા આગામી વર્ષના હોદ્દેદારોની નિમણૂક થયા બાદ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા તાજેતરમાં પત્રકારોનો પરિવાર સાથે નો પ્રવાસ યોજાયો હતો. જેમાં મંડળના સભ્યો દ્વારા જામનગરના સિદ્ધિવિનાયક મંદિર (સપડા ) તથા વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ માં પારિવારિક પ્રવાસ યોજાયો હતો. 

દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા તથા લોકોના પ્રશ્નને વાંચા આપતા પત્રકારો સતત ફરજ પર રહી લોકો સુધી સમાચાર પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. ત્યારે કામના ભારણ અને તણાવ થી દૂર રહી પોતાના પરિવાર સાથે પારિવારિક આનંદ માણી શકે તે માટે જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે પારિવારિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન મંડળના સભ્યોએ સૌપ્રથમ જામનગરના સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણપતિદાદાના દર્શનનો લાભ લીધો હતો. આ તકે મંદિરના પૂજારી એવા મહંત મિલનગીરી મહારાજે સભ્યોને દર્શન કરાવ્યા હતા. ત્યારબાદના સભ્યો દ્વારા વડીલવાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી પરેશભાઈ જાનીના આમંત્રણ ને માન આપી વડીલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.

વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ખાતે સૌ પ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી કિંજલભાઈ કારસરિયા એ મંડળની પ્રવૃત્તિઓ અને મંડળ વિશે પરિચય આપ્યો હતો. આ તકે વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીનું મોનાબેન ભરતભાઇ રાવલ અને રીટાબેન સંજયભાઈ જાની દ્રારા, ટ્રસ્ટી રાજેનભાઈ જાનીનું સુનીતાબેન ડોલરભાઈ રાવલ અને ડિમ્પલબેન જગતભાઈ રાવલ દ્વારા તથા અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદી નું દીનાબેન રમણીકભાઇ બારડ અને --- કિંજલભાઇ કારસરીયા  દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી એ તેમના વક્તવ્યમાં નવનિયુક્ત હોદ્દેદારો ને શુભેરછા પાઠવી હતી. અને તેમણે વૃધાશ્રમ દ્વારા ચાલતી સેવા પ્રવૃતિઓ અંગે મંડળને માહિતગાર કર્યા હતા અને મંડળ ના સભ્યો ને પણ વૃદ્ધાશ્રમની મુલાકાત ના નિર્ણય ને બિરદાવ્યો હતો.

વડીલ વાત્સલ્ય ધામ ના ટ્રસ્ટીઓ દ્વારા પણ જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારો પ્રમૂખ ભરતભાઇ રાવલ, ઉપપ્રમુખ સંજય ભાઈ આઇ. જાની, મંત્રી કિંજલભાઈ કારસરિયા તથા ખજાનચી સુચિતભાઇ બારડ નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંડળ દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. અને તેમણે  પણ પોતાની હાસ્ય કળા થી પેટ પકડીને હસાવ્યા હતા. મંડળ ના સભ્યો ની સાથે વૃદ્ધાશ્રમના વડીલો એ પણ હાસ્ય કાર્યક્રમ માણ્યો હતો.

આ પારિવારિક પ્રવાસ નું સંચાલન માધવી બુજડ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ક્વિઝ સહિતની વિવિધ ગેમ્સ પણ તેમણે રમાડી હતી જેમાં વિજેતાઓ ને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના અંતે આભારવિધિ ખજાનચી સૂચિત બારડ એ કરી હતી.

(9:23 AM IST)