<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

રાજ્યની દેશી ગૌ વંશ યુનિવર્સિટીના પ્રથમ કચ્છી કુલપતિ હિતેષભાઇ જાનીના જાહેર અભિવાદન સાથે પરિસંવાદનું ભુજમાં આયોજન

શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગૌસેવા સંલગ્ન સંસ્થાઓ અને વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ :  કચ્છ જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૌવંશ સેવા પ્રકલ્પ માટે કાર્યરત શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા દેશની સૌ પ્રથમ દેશી ગૌવંશ યુનિવર્સીટીના સ્થાપક કુલગુરૂ અને મૂળ કચ્છના વતની ડો.  હિતેષભાઇ જાનીના અભિવાદન સાથે વિશેષ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

  આ જ સંસ્થાના ગૌવંશ સેવાધામ પ્રકલ્પના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો કે જેઓની આ યુનિવર્સીટીના સલાહકાર બોર્ડમાં નિયુક્તિ થઈ છે તેવા શ્રી મનોજભાઈ સોલંકી અને શ્રી જાદવજીભાઈ ગોરસિયાને પણ સન્માનીત કરવાનું આયોજન આગામી તા ૨૫/૬ ના બુધવારના સાંજે ૪/૩૦ કલાકે ભુપતસિંહજી હોલ,વિજરાજજી લાયબ્રેરી, હમીરસર તળાવ પાસે ભુજ ખાતે કરવામાં આવ્યું છે.

    આ કાર્યક્રમમાં દેશી ગૌ વંશ યુનિવર્સીટીના માધ્યમથી કચ્છની પાંજરાપોળો અને ગૌશાળાઓના ઉત્કર્ષ માટે કચ્છની ગૌસેવા સંલગ્ન સંસ્થાઓ અને તેના પદાધિકારીઓ અને આ વિષયના તજજ્ઞ વ્યક્તિઓના અનુભવો તેમજ ગૌવિજ્ઞાની અને જામનગર આર્યુવેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ હાલે દેશી ગૌ વંશ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. હિતેશ જાનીના ગૌ વિજ્ઞાન સાથે સંકળાયેલ અનુભવો, સંશોધનો, ઉપયોગિતા, સંરક્ષણ અને ભાવિ આયોજન અંગેના વિચારોનું આદાન પ્રદાન આ પરીસંવાદમાં કરવામાં આવશે.

    આ પ્રસંગે રાજ્યની પ્રથમ ગૌ વંશ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કાર્યભાર સંભાળનાર ડો. હિતેશ જાનીએ માતૃભૂમિ કચ્છનું ગૌરવ વધાર્યું છે.ત્યારે કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગૌ સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા એમનું સન્માન કરવાનું આયોજન કરાયું છે. ડો હિતેશભાઈ જાની સાથેના પરિસંવાદમાં ભાગ લેવા અને અભીવાદન કરવા ઈચ્છુક સંસ્થાઓના પ્રતિનિધિઓએ  સંસ્થાનું નામ અને ભાગ લેનાર પ્રતિનિધિના મોબાઈલ નંબર સાથે 9825777464 પર વિગત મોકલવા શ્રી અજરામર ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે.

(9:24 AM IST)