તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
કાલે સોૈરાષ્ટ્ર-કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ગ્રામ્ય વિસ્તારો, તાલુકા મથકો અને જીલ્લાકક્ષાએ સામુહિક યોગનું આયોજનઃ મોટી સંખ્યામાં લોકો જોડાશે

તસ્વીરમાં કલેકટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.
રાજકોટ તા.૨૦: કાલે તા.૨૧ જુન એટલે આંતરાષ્ટ્રીય યોગ દિવસ. કાલે સર્વત્ર યોગ દિવસની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. સવારે મોટી સંખ્યામાં સામુહિક યોગનું સર્વત્ર આયોજન કરવામાં આવશે. કાલે ગ્રામ્ય વિસ્તારો, તાલુકા મથકો અને જીલ્લાકક્ષાએ સામુહિક યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડો. મનીષ કુમાર બંસલએ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ‘‘જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે યોજાશે. ભાવનગર જિલ્લામાં અંદાજે બે લાખ લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
ચાલુ વર્ષે વિશાળ જન ભાગીદારી સાથે સમગ્ર રાજયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સ્વૈછિક સંસ્થાઓ, ભાવનગર જિલ્લા જેલ, પોલીસ સ્ટેશન, સી.એચ.સી. અને પી.એચ.સી.આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લાના આઈકોનીક સ્થળો પર તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગો, ઇંડિયન મેડીકલ એસોશિએશનના સભ્યો અને ભાવનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, રમત-ગમત મંડળો, સાંસ્કળતિક મંડળો તેમજ યોગ સાથે સંકળાયેલા લોકો પણ જિલ્લાકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે. આ કાર્યક્રમો ભવ્ય રીતે અને સફળતાપૂર્વક યોજાય અને તેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
રાષ્ટ્રીયકક્ષાના વિશ્વ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી તથા રાજ્યકક્ષાના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું સંબોધનનું લાઈવ ટેલીકાસ્ટ પણ સમગ્ર ગુજરાતમાં થનાર છે, ત્યારબાદ આયુષ દ્વારા દર્શાવેલ પ્રોટોકોલ મુજબ ૦૭: ૦૦ થી ૦૭:૪૫ દરમ્યાન યોગનું સેશન થનાર હોય જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે.
ભાવનગર જિલ્લા કક્ષાના આઇકોનિક સ્થળ હાથબ બંગલો હાથબ તેમજ પારણા ભુવન, શેત્રુંજી તળેટી રોડ પાલીતાણા ખાતે આઇકોનિક સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ૬૨ આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, ૨૬ પોલીસ સ્ટેશન, ૧૪૯૪ શાળાઓ કોલેજ તથા આઈ.ટી.આઈ અને ૧૦ તાલુકા/નગરપાલિકા મથક ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તકે પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી. ગોવાણી અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી એમ પી દોશી વિદ્યાલયમાં કરાશે
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૦: આવતી કાલે ૨૧ જૂને ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમુહ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ ‘‘યોગ ફોર હાર્મની એન્ડ પીસ'' અન્વયે, યોગના મહત્વ અને તેના શારીરિક તેમજ માનસિક લાભો વિશે જનજાગળતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
ટંકારા એમ પી દોશી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે મુખ્ય યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટંકારા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહશે ઉપરાંત સ્થાનિક નાગરિકો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભાગલેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાલુકા મામલતદાર પી.એન. ગોરે જણાવ્યું કે, ‘‘યોગ દિવસની ઉજવણી લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. ટંકારાના દરેક ગામમાં યોગનો સંદેશ પહોંચે તે માટે અમે પ્રયાસરત છીએ. ટંકારા વહીવટી તંત્ર દ્વારા આ યોગ દિવસની ઉજવણી એક સ્મરણીય અને પ્રેરણાદાયી ઘટના બની રહે તે માટે તમામ તૈયારીઓ ચાલુ છે. ત્યારે સૌ તાલુકા વાસીને જોડાવવા હાર્દિક આમંત્રણ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
