<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

કેશોદમાં માત્ર સામાન્‍ય વરસાદથી અંડર બ્રિજ તળાવમાં ફેરવાઈ ગયો

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૦: અત્રેના ચાર ચોકમાં નિર્માણ પામી રહેલ અંડર બ્રિજનું કામ ત્રણ વર્ષ બાદ પણ ચાલુ હોય હાલ આ અંડર બ્રિજ છેલ્લા બે દિવસમાં પડેલ સામાન્‍ય વરસાદ થી તળાવમાં ફેરવાઈ જતા લોકો ખાસઆ નજારો નિહાળવા માટે આવે છે!

આ  અંડર બ્રિજનું ફેબ્રુઆરી ૨૦૨૨મા ખાતમુહૂર્ત થયા બાદ સવારથી દોઢ વર્ષમાં આ બ્રિજ તૈયાર થઈ જશે તેવી જવાબદારો દ્વારા નગરજનોને ખાતરી આપવામાં આવેલ હતી પરંતુ આ બ્રિજનું કામ ત્રણ વર્ષ જેવો સમય થયો હોવા છતાં પણ હજુ પૂર્ણ થયેલ ન હોય ખાસ કરીને શહેરની પૂર્વ તરફના ભાગના લોકો તથા અસર કરતા વેપારીઓમાં રોશની લાગણી જોવા મળેલ છે.

અંડર બ્રીજની ચાલતી કામગીરી બાદ આ ચોથું ચોમાસુ સીઝન બેસી જવા પામેલ છે. બે માસ પહેલા જવાબદારો દ્વારા જૂન માસમાં આ કામગીરી પૂર્ણ કરી અંડર બ્રિજને કાર્યરત કરી દેવાના ફણગા ફોડવામાં આવેલા હતા. પરંતુ હજુ કોઈ ઠેકાણા જોવા મળતા નથી.

આ સ્‍થિતિ વચ્‍ચે પૂર્વ તરફના વસવાટ કરતા લોકોને આવવા જવા માટે ઉતાવડી પુલ નીચેના વૈકલ્‍પિક માર્ગ પરથી અથવા જો નદીમાં પાણી ભરાયેલ હોય એરપોર્ટ તરફથી લગભગ ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપી આવવું પડે છે. જે લોકો માટે ભારે મુશ્‍કેલી રૂપ બનેલ છે.          

હાલ તો અંડર બ્રિજમાં સામાન્‍ય વરસાદથી લગભગ છ થી આઠ ફૂટ જેટલું ઊંડું પાણી ભરાઈ ગયેલ છે. અંડર બ્રિજ કાર્યરત થાય ત્‍યારે આપ ચોમાસા દરમિયાન આપ પુલમાં પાણી ભરાય તો મોટર દ્વારા પાણી ખેંચવાનુ આયોજન કરવા આવનાર છે. ત્‍યારે ચોમાસા દરમિયાન ભારે વરસાદ વચ્‍ચે આ વ્‍યવસ્‍થા કેટલી સફળ નિવડે એ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

સ્‍થાનિક કેશોદ શહેરમાં કોઈ મોટી નદી ન કે તળાવ ન હોય અંદાજે અડધો કિલોમીટરના અંતરમાં બનેલ આ અંડર બ્રિજ તળાવમાં ફેરવાઈ જતા લોકો કુતુહલવશ ભરાયેલ પાણી જોવા માટે આવે છે.

(1:12 PM IST)