તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સાવરકુંડલાની કુમાર શાળાની ભૂલી બિસરી દાસ્તાન
પ્રવેશ મેળવવા અનેક ભલામણો કરાવવી પડતી : અત્યારે બિસ્માર હાલતમાં : દાતાઓ સંસ્થાનું સુકાન સંભાળે તેવી માંગ

(પ્રતાપ ખુમાણ દ્વારા) સાવરકુંડલા, તા. ર૦ : સાવરકુંડલા શહેરની એક સમયની શિરમોર સમાન શૈક્ષણિક સંસ્થા એટલે કુમાર શાળા જેમાં પ્રવેશ મેળવવા અનેક ભલામણો કરાવવી પડતી.
સ્વ. તાપીદાસ ગાંધીના હાથમાં આ સંસ્થાનું સંપૂર્ણ સંચાલન હતું એટલે કે તેઓ જ સર્વે સર્વા.શિસ્તના કડકમાં કડક આગ્રહી. જે તે સમયે સાવરકુંડલા ભાવનગર જિલ્લામાં સામેલ હતું એટલે જિલ્લાની પ્રથમ હરોળમાં આવતી હતી, આ શૈક્ષણિક સંસ્થા.
શ્રી મણીભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટના નેજા હેઠળ આ શિક્ષણ સંસ્થા બેનમૂન હતી અને પ્રથમ હરોળના સંખ્યાબંધ ડોક્ટરો, એન્જિનિયર, ઉદ્યોગપતિઓ, વકીલો, વેપારી અગ્રણીઓ આ સંસ્થામાંથી બાલમંદિર થી ધોરણ સાત સુધીનું પ્રાથમિક એટલે કે પાયાનું શિક્ષણ લઈને આગળ આવ્યા છે. આ સંસ્થામાં જે કક્ષાનું બાલમંદિર તે સમયે હતું તે આજના સમયમાં પણ સમગ્ર જિલ્લામાં કયાંય પણ જોવા મળતું નથી. આ સંસ્થા પોતાના સમયમાં સફળતાની ટોચ ઉપર હોવા પાછળ સ્વયં સમર્પિત શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ જ એકમાત્ર કારણ છે. કુમારશાળા બાલમંદિરનો વાર્ષિક મહોત્સવ તે સમયે આજના ટીવી ઉપર જોવા મળતા કાર્યક્રમોને પણ ટક્કર મારે તેવો હતો.
લાલ ચડી અને સફેદ શર્ટ જેની શાન અને ઓળખ હતી.
મુખ્ય ટ્રસ્ટી તાપીદાસ ગાંધી સાથે ખભે ખભા મિલાવતા સ્ટાફ ના અમુક નામો કિશોરભાઈ ખખ્ખર, વજુભાઈ બોરીસાગર, અશોકભાઈ જોશી, નવલભાઇ ભરખડા, રમેશભાઈ પંડ્યા, રમેશભાઈ બોરીસાગર સુમનબેન જોષી, લીલાબેન પટેલ, રશ્મિબેન, નાથાભાઈ મહેતા, સરોજબેન આટલા નામો સ્મળતિમાં છે.
અમુક વર્ષો પછી પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ માટે દેરાણી જેઠાણી હાઇસ્કુલ શરૂ કરવામાં આવી જે બાદમાં બનઝારા હાઈસ્કૂલ તરીકે જાણીતી બની. બનઝારા પરિવારનાં દેરાણી જેઠાણી એ સાથે મળીને મુખ્ય દાન આપવાને કારણે આ નામ રાખવામાં આવેલ અમુક વર્ષો સુધી બનઝારા હાઈસ્કૂલ પણ ટોચની શૈક્ષણિક સંસ્થા બની હતી.
કુમારશાળાનો સૂરજ જ્યારે તપતો હતો ત્યારે સ્વ રતિલાલ ભંડેરી સાહેબ, સ્વ પ્રોફેસર રાવ, નિમાવત પણ શાળા સમય બાદ ખાસ અંગ્રેજી માટેના વર્ગો લેતા હતા.આ ક્લાસિસે પણ ખૂબ લોકચાહના મેળવી હતી.
આ લેખ લખનારે પણ પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી વર્ગોમાંથી જ પોતાની કારકિર્દી ઘડી છે..
ખબર નહિ આવી બેન મુન શૈક્ષણિક સંસ્થાને કોઈની બુરી નજર લાગી ગઈ..! કાળની ગર્તામાં ધીમે ધીમે પણ જાણે મક્કમગતિથી ભૂતકાળ બની ગઈ.ભવ્ય ભૂતકાળ ત્યારે જ યાદ આવે જ્યારે વર્તમાનમાં અસ્તિત્વ જ ન હોય..!
આજે પણ સમગ્ર જિલ્લામાં બેન મૂન ઇમારત ધરાવતી કુમાર શાળા ભેકાર સ્મશાનવત ખડી છે. એક સમયે રાત દિવસ બાળકોની કિકિયારીઓથી ગુંજતી રહેતી કુમાર શાળા જાણે ચોધાર આંસુએ રડી રહી છે. આ સંસ્થામાં અભ્યાસ કરી ચુકેલા પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉંડા નિસાસા નાંખી રહ્યા છે.
દર ચોમાસે જેના પગ પખાળે છે,એવી નાવલી નદી પણ જાણે નિસાસા સાથે આછડતી નજર ઇમારત સામે નાંખીને જવાબદારોને શ્રાપ આપતી વહેતી રહે છે ..!
આજે સાવરકુંડલા શહેરથી અત્યંત દૂર હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ ધમધમી રહી છે ત્યારે સમગ્ર શહેરની બરાબર સેન્ટરમાં આવેલ સંપૂર્ણ સુવિધા યુક્ત કુમારશાળા બાલમંદિરના વહીવટ માટે શું ખૂટે છે..?! સાવરકુંડલા શહેરના પ્રબુદ્ધ અને સમળદ્ધ નાગરિકોએ આ માટે વિચારવું રહ્યું.ઘણો સમય વીતી ચૂકયો છે પણ હજી મોડું થયું નથી. જો આ બાબતે શહેર બહાર વસતા માલેતુજારો અને સાવરકુંડલાના પાવરફુલ વતનીઓ આગળ આવીને સમગ્ર સંસ્થાનું સુકાન નહીં સંભાળે તો ભવિષ્યની પેઢી કયારેય માફ નહીં કરે...!.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
