<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

લીંબડી-ચમારડી રૂટની બસ સાથે સામેથી અથડાતા પીકઅપ વાહનના ચાલકનું મોત : બાઇક સ્લીપ થતા પુલની પાળી સાથે માથુ ટકરાતા મૃત્યુ

ઝાલાવાડમાં સર્જાયેલ અકસ્માતના પાંચ બનાવ

વઢવાણ, તા.૨૧: તાલુકાના ભથાણ ગામે રહેતા સલીમભાઈ મુસાભાઈ ઉમેડીયા લીંબડી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ લીંબડી-ચમારડી વિદ્યાર્થી રૂટની બસ લઈને નીકળ્યા હતા. જેમાં ભારે વરસાદ આવતા દરોદ ગામે વિદ્યાર્થીઓને ઉતારી બસ લીંબડી ડેપો તરફ પરત ફરતી હતી. ત્યારે ચુડાના ચચાણા-ખાંડીયા રોડ પર બસની સામેથી આવતી રિક્ષાને ઓવરટેક કરવા જતા એક પીકઅપ ચાલકે એસ.ટી.બસ સાથે અકસ્માત સર્જયો હતો.જેમાં પીકઅપનો એન્જીનનો ભાગ દબાઈ ગયો હતો. જયારે બસને પણ નુકશાન થયુ હતુ. આ બનાવમાં પીકઅપ ચાલકને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ દ્વારા ધંધુકા આરએમએસ હોસ્પીટલ સારવાર માટે લઈ જવાયો હતો. જેમાં ચાલકનું મોત થયુ હતુ.

દસાડાના ખારાઘોઢા ગામે રહેતા રાજુભાઈ નરોત્તમભાઈ ચૌહાણ અને મિત્ર મુકેશ ઉકાભાઈ સુરેલા પાટડી કામ હોઈ નરેશ કાળુભાઈ ઠાકોર સાથે બાઈકમાં પાટડી ગયા બાદ પરત ફરતા પુલ પર નરેશભાઈએ બાઈક પર કાબુ ગુમાવતા સ્લીપ થઈ ગયુ હતુ. અને ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં મુકેશભાઈ પુલની પાળી સાથે ભટકાતા માથામાં ઈજા પહોંચી હતી. જયારે રાજુભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેમાં બન્નેને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. જેમાં મુકેશભાઈનું મોત થયુ હતુ.

બોટાદના રાણપુરના સુંદરીયાણા ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ મોરી અને નાનો ભાઈ રાજુભાઈ, દિકરો અર્જુન, રમેશભાઈ વેલાભાઈ ૨ બાઈક લઈને પીપળી રામદેવપીરના દર્શન કરી તેમના ભાણાને માલવણ હાઈવે પર આવેલ પેપીઝો કંપનીમાં કામે લાગવાનું હોઈ તેને સોખડાથી લઈને કંપનીમાં ગયા હતા. જયાંથી પરત જતા સમયે લાલજીભાઈ પાછળ તેમના ભાઈ રાજુભાઈ બાઈક પર બેઠા હતા. જેમાં રસ્તો ક્રોસ કરતા સમયે એક કાર ચાલકે બન્નેને અડફેટે લઈ ઈજા પહોંચાડી છે.

ચોટીલાના મફતીયાપરામાં રહેતા ધનજીભાઈ ધરજીયા આણંદપુર રોડ પર આવેલ ભરતભાઈ ચાની દુકાને બિલ બનાવવાનું કામ કરે છે. તા. ૧૭-૬ના રોજ સવારે તેઓ સાયકલ લઈને જતા હતા. ત્યારે દુધેલી રોડ પર એચડીએફસી બેંક સામે એક કન્ટેનરના ચાલકે તેમને પાછળથી ઠોકર મારી હતી. જેમાં ધનજીભાઈને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રાની શિવશકિત સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય સુખદેવસીંહ રમુભા ઝાલા વકીલાત કરે છે. તા. ૧૫ જુનના રોજ રાત્રે તેઓ કાર લઈને ઓફીસથી ઘર તરફ જતા હતા. ત્યારે જડેશ્વર પુલ તરફ જતા રોકડીયા સર્કલ તરફથી આવેલા ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં કારને નુકશાન થયુ હતુ. વધુ તપાસ એચસી એ.એ.ચીહલા ચલાવી રહ્યા છે

(11:54 AM IST)