તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા વાળુકડ ગામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી : વક્તવ્ય અને યોગ અભ્યાસ સહિતના વિભિન્ન યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયા
યોગ અંગેની જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા આશયથી ' એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમ સાથે યોગ અભ્યાસ

રાજકોટ તા.૨૧ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા શ્રી વાળુકડ કેન્દ્રવર્તી શાળા ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ અંગેની જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા આશયથી ' એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની દેન છે અને નિયમિત યોગ કરીને પ્રત્યેક વ્યક્તિ નિરોગી રહી તંદુરસ્ત જીવન જીવી શકે છે તેવું કહેતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું મહત્વ તેમજ વિશ્વભરમાં અપનાવાયેલ ભારતીય યોગ સંસ્કૃતિ વિશે જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી પરંતુ વ્યક્તિને પોતાની જાત,સમાજ અને પ્રકૃતિને જાણવા અને જોડવાનું સશક્ત માધ્યમ છે.
રાજ્યપાલ એવોર્ડ થી સન્માનિત શક્તિદાનભાઈ કુંચાલા, કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ભુપતભાઈ વાઘેલા, શિક્ષક તેમજ યોગ સાધક ઉદયભાઇ ચાવડા તેમજ માતંગી યોગ ક્લાસના યોગ સાધકોની ઉપસ્થિતિમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સર્વેના સારા સ્વાસ્થ્ય તેમજ વિશ્વ કલ્યાણની ભાવના સાથે પ્રાર્થના કર્યા બાદ યોગ અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક રાજેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ સહિત ઉપસ્થિત સર્વેએ યોગ અભ્યાસ કર્યો હતો.
યોગ એ સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની આપેલી મહામૂલી ભેટ ગણાવતા રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત શક્તિદાન કુંચાલાએ આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાના સ્વાસ્થ્ય માટે એક કલાકનો સમય કાઢી નિયમિત યોગ કરવા સર્વેને અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષક ચિંતનભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કર્યા બાદ કાર્યક્રમના અંતે નિયમિત યોગ કરવાના અને અન્ય લોકોને પણ યોગ સાથે જોડી સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાના સંકલ્પ લેવાયા હતા.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
