<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

શ્રી શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયા ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી

શાળામાં યોગ ઉપર 'Yoga Park' અને 'Yoga Unplugged' અંતર્ગત વિશેષ સ્પર્ધાઓ જેવીકે નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને શ્રેષ્ઠ યોગ નિદર્શન સ્પર્ધા યોજાઈ

જોડિયા: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયા ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર ઓફિસ, જોડિયા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. 
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂચન કરેલ તા. ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાતા, જેના અનુસંધાને શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય જોડીયામાં તા. ૧૫, ૧૬, ૧૭ અને ૨૦ જૂનના રોજ ધોરણ ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થી અને બાલમંદિરના બાળકોને શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશી દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને અને બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમની ઉજવણીની ખબર બાળકોના વાલી અને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી હતી. 
, આ ઐતિહાસિક દિવસે સંસ્થામાં જોડિયાના મામલતદાર દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી આર એમ ડાંગર, સરકારી આયુર્વેદિક હોસ્પિટલના  વૈદ્ય પંચકર્મ અધિકારી લોકલાડીલા ડો. આનંદ જયસ્વાલ, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, ટ્રસ્ટી  અશોકભાઈ વર્મા, મંત્રી પારુબેન સુખપરિયા, શાળાના આચાર્ય ક્રિષ્નાબા ચુડાસમા, ફોરેસ્ટ ઓફિસમાંથી બહાદુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, તેમજ જોડિયા તાલુકા આંગણવાડીના અધિકારીઓ અને સ્ટાફ, મામલતદાર ઓફિસનો સ્ટાફ તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નો સ્ટાફ અને સંસ્થાના તમામ વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો, વાલીઓ મળી કુલ ૩૨૫ લોકો સવારે ૭:૩૦ કલાકે શાળામાં યોગ માટેની તૈયારી સાથે હાજર થયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શ્લોકથી કરવામાં આવી. ત્યારબાદ, હળવી કસરત જેવી કે ગરદનનું પરિભ્રમણ, કાંડાનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવી.
ત્યારબાદના કાર્યક્રમના ભાગમાં યોગાસન કરવામાં આવ્યા હતા. જેમાં ઉભા આસનોમાં તાડાસન, વૃક્ષાસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન વગેરે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, બેઠા આસનોમાં વજ્રાસન, વક્રાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાકાસન વ્યાયામ શિક્ષિકા બેનના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. ત્યાર પછી સૂતા સૂતા કરવાના આસનમાં પવનમુક્તાસન, ભુજંગાસન, ઉત્તાનપાદાસન, શવાસન કરવામાં આવ્યા હતા. યોગાસનના કાર્યના આ ભાગ પછી પાંચ મિનિટનો વિરામ રાખી કપાલભાતિ યોગ, અનુલોમ વિલોમ, શીતલી, ભ્રામરી અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. સૌ લોકોના ગુંજનથી વાતાવરણ રોમાંચિત થયુ હતું.
ત્યારબાદના આસનમાં ધ્યાન આસન મુદ્રા કરવામાં આવ્યું હતું અને અંતિમ ચરણમાં વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, ગ્રામજનો અને સમગ્ર વિશ્વમાં એકતા જળવાઈ રહે અને દરેક મનુષ્યને સ્વસ્થ, સારા અને પ્રિય બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. 
આ ઉપરાંત, શાળામાં યોગ ઉપર 'Yoga Park' અને 'Yoga Unplugged' અંતર્ગત વિશેષ સ્પર્ધાઓ જેવીકે નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને શ્રેષ્ઠ યોગ નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીની બહેનોને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયા દ્વારા મુમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તમામ વિદ્યાર્થીની બહેનોને સંસ્થા દ્વારા યોગદિવસ ઉપર સહભાગી થવા માટે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. 
શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયાને ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયાના ડો. આનંદ જયસ્વાલ દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયા દ્વારા યોગાભ્યાસ વિષય પર ખાસ ચાર્ટ પ્રદર્શન ગોઠવવામાં આવેલ જેનો સર્વે લાભ લીધો હતો. કાર્યક્રમના અંતમાં તેમના દ્વારા આયોજીત અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું શાળાના આચાર્ય ક્રિષ્નાભા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

(8:32 PM IST)