તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd June 2025
જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પ્રવાસન વિભાગની બેઠક યોજાઈ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની પ્રગતી અને આગામી આયોજન અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ :સહેલાણીઓ માટે પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારે કામો કરવા મંત્રીનું અધિકારીઓને સૂચન

જામનગર: રાજ્યના પ્રવાસન મંત્રી અને જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતમાં પ્રવાસન વિભાગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ, નવા પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે તથા હાલ ચાલી રહેલ કામગીરી અને આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આયોજનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર જીલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર હાલ પર્યટકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સીદસર ઉમિયા માતાજી મંદિર, ભૂચરમોરી શહીદ વન, સપડા ગણપતિ મંદિર, રણુજા મંદિર, મચ્છુ માતાજી મંદિર, નાથજી દાદા મંદિર, ટપકેશ્વર મહાદેવ મંદિર, જીણાવરી સૂર્યમંદિર, જોડિયા બંદરનો વિકાસ કરવા સહીત પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા જીલ્લાના સ્થળોનો પર્યટન સ્થળો તરીકે વિકાસ કરવા માટેના આયોજનો અંગે લગત અધિકારીશ્રીઓએ મંત્રીશ્રીને માહિતી આપી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિવરાજપુર બીચ, બરડો ડુંગર, તથા હરસિદ્ધિ વન ખાતે પર્યટકો માટે વિવિધ પીકનીક સ્પોટ ઉભા કરવા અંગે તથા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન થાય તે પ્રકારે વન વિભાગના અધિકારીઓ દ્વારા જે કામગીરી થઇ રહી છે તે અંગે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કામો વિષે મંત્રીશ્રીને વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને વધુને વધુ વિકસાવીને ગુજરાતને ‘વૈશ્વિક પ્રવાસન ડેસ્ટિનેશન’ તરીકે ઓળખ અપાવવાની રાજ્ય સરકારની નેમ છે. જામનગર તથા દ્વારકા જીલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે પ્રકારે પ્રવાસન સ્થળોનો વિકાસ કરી પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા અને પર્યટકોની સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે આયોજન હાથ ધરી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા, નડતરરૂપ દબાણો દુર કરવા તથા હાલારને નવી ઓળખ મળે અને પ્રવાસન સ્થળોને આગવી ઓળખ મળે તે મુજબ કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગર મરીન નેશનલ પાર્ક નાયબ વન સંરક્ષક રવીપ્રસાદ, દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક અરુણકુમાર, જામનગર વન વિભાગ નાયબ વન સંરક્ષક રાધિકા પડસાલ, વન વિભાગના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
