તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
જામનગર : 'સરપંચનો સંગ્રામ' શરૂ! : ૧૮૭ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા પુરજોશમાં
જિલ્લાના ૪.૪૨ લાખથી વધુ મતદારો આજે પોતાના મનગમતા સરપંચ અને સભ્યોને ચૂંટશે : નાઘેડી સહિતના ગામોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી : ૬૦ ગ્રામ પંચાયત સમરસ જાહેર

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામનગર જિલ્લામાં આજે બરાબર જામ્યો છે. જિલ્લાની કુલ ૧૮૭ ગ્રામ પંચાયતોમાં આજે સવારથી જ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે, જેને 'સરપંચનો સંગ્રામ' નામ આપવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે કુલ ૪૨૬ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે.
જિલ્લાના કુલ ૪,૪૨,૫૭૭ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક નેતૃત્વ પસંદ કરશે. જેમાં ૨,૨૬,૩૮૬ પુરુષ મતદારો અને ૨,૧૬,૧૭૮ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ મતદારો પોતાના મનગમતા ઉમેદવારને જનાદેશ આપવા માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા છે.
ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે ૨૨૪૪થી વધુ ચૂંટણી સ્ટાફ ફરજ પર તૈનાત કરવામાં આવ્યો છે. સવારથી જ શરૂ થયેલા મતદાનમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરના નાઘેડી ગ્રામ પંચાયતમાં તો મતદાન માટે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં કુલ ૩૨૬ ગ્રામ પંચાયતો પૈકી ૬૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણપણે સમરસ થઈ છે, જ્યાં ચૂંટણી યોજાઈ નથી. બાકીની ગ્રામ પંચાયતોમાં આજે ભાવિ સરપંચો અને સભ્યોની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીના પરિણામો આગામી સમયમાં જાહેર થશે, જે સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરશે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
