તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
જૂનાગઢમાં મેઘતાંડવ : ઉબેણ વિયર કેરાળા જળાશય ૧૦૦% ભરાયું : નીચાણવાળા ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ!
કેરાળા, મજેવડી, તલિયાધર સહિત જૂનાગઢ અને વંથલી તાલુકાના ૮ ગામોને એલર્ટ કરાયા : પાતાપુર - સનાથા - ઇટાલા અને ભાટિયા - થાણાપીપળી રોડ પર વાહનવ્યવહાર બંધ : તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ

વિનુ જોશી દ્વારા, જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત રહેતા ઉબેણ વિયર કેરાળા જળાશય છલકાઈ ગયું છે. કેરાળા ગામ પાસે આવેલો ઉબેણ વિયર કેરાળા ડેમ પાણીની ભારે આવકને કારણે ૧૦૦% ભરાઈ ગયો છે, જેને પગલે તંત્ર દ્વારા નીચેવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે.
એલર્ટ કરાયેલા ગામો:
જૂનાગઢ તાલુકાના ગામો: કેરાળા, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી, વાણદિયા
વંથલી તાલુકાના ગામો: બાલોટ, ધંધુસર, વંથલી
વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ:
ભારે વરસાદના કારણે જૂનાગઢ પંચાયત - માર્ગ અને મકાન વિભાગ હેઠળના નીચે મુજબના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:
* (૧) પાતાપુર – સનાથા – ઇટાલા રોડ: આ રોડ બંધ થતાં વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તો ખડીયા – પાતાપુર રોડ સૂચવવામાં આવ્યો છે.
* (૨) ભાટિયા – થાણાપીપળી રોડ: આ રોડ બંધ હોવાથી વાહનચાલકોને ભાટિયા – મોટા કાજલિયાલા – થાણાપીપળી રોડ નો ઉપયોગ કરવા જણાવાયું છે.
જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સપાટી વધી છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ નદી કિનારે અને ડેમના પાળા પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોને પણ વરસાદ સંબંધિત કોઈ પણ મુશ્કેલી કે જાણકારી માટે તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
