<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ભારે મતદાન બાદ હવે બુધવારે મત ગણતરી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચને ચુંટવા ચુંટણી સંપન્ન

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ખંભાળીયામાં મતદાન કરતા મતદારો, ત્રીજી તસ્‍વીરમાં મોરબી, ચોથી-પાંચમી અને છઠ્ઠી તસ્‍વીરમાં જામનગર તથા સાતમી અને આઠમી તસ્‍વીરમાં વાંકાનેરમાં મતદારો અને પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી (ખંભાળીયા), પ્રવિણ વ્‍યાસ (મોરબી), મુકુંદ બદીયાણી -કિંજલ કારસરીયા (જામનગર) લિતેશ ચંદારાણા(વાંકાનેર) 

રાજકોટ, તા., ર૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ગ્રામ પંચાયતોની કાલે ચુંટણી યોજાઇ હતી. જેમાં ભારે મતદાન થયા બાદ હવે બુધવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગ્રામ પંચાયતના મુખીયા એટલે કે ગામના સરપંચને ચુંટી કાઢવા માટે મતદાન થયું હતું.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની સામાન્‍ય, પેટા તથા મધ્‍ય સત્ર ચૂંટણી માટે મતદાન નોંધાયું હોય જેમાં વહેલી સવારે સાતથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાન ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉત્‍સાહપૂર્વક મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં વાંકાનેર તાલુકાના ૧૪ ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્‍યો સહિતની ચૂંટણી માટે મતદાન યોજાયું હોય, જેમાં સમગ્ર પંથકમાં કુલ ૨૭,૮૨૨ મતદારોમાંથી કુલ ૨૦,૯૭૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ સરેરાશ ૭૫.૪૦ ટકા મતદાન પુર્ણ થયું છે.

વાંકાનેર તાલુકાના પંચાસીયા, કાશીપર-ચાંચડીયા, પલાસડી(સભ્‍ય), ભેરડા, સિંધાવદર-વીડી ભોજપરા, ભાટીયા, પીપળીયા રાજ સહિતના સાત ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્‍ય / વિભાજન / મધ્‍યસત્ર ચૂંટણીમાં કુલ ૧૮૪૯૪ મતદારોમાંથી ૧૪,૮૩૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ ૮૦.૧૯ ટકા મતદાન નોંધાયું છે, જ્‍યારે સતાપર, હશનપર, શેખરડી, ખીજડીયા-પીપરડી, પાજ, લુણસર (સભ્‍ય), અને આણંદપર (સભ્‍ય) સહિતના સાત ગામોમાં કુલ ૯,૩૨૮ મતદારોમાંથી ૬,૧૪૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ ૬૫.૯૦ ટકા મતદાન નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લામાં સરપંચનો સંગ્રામ યોજાયો હતો.  જામનગર જિલ્લામાં કુલ ૧૮૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા થઇ હતી.  ૪૨૬ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા થઇ હતી. ૪,૪૨,૫૭૭ મતદારો માટે મતદાન થયું હતું. ૨,૨૬,૩૮૬ પુરુષ મતદારો અને ૨,૧૬,૧૭૮ મહિલા મતદારોએ મનગમતા ઉમેદવારને જનાદેશ આપ્‍યો છે. ૨૨૪૪થી વધુ ચૂંટણી સ્‍ટાફ ફરજ પર તૈનાત છે.

જામનગર જિલ્લામાં ૩૨૬ માંથી ૬૦ ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ છે. સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદાતાઓ ઉત્‍સાહભેર મતદાન કરવા ઉમટી પડ્‍યા હતા. જામનગરના નાઘેડી ગ્રામ પંચાયતમાં મતદાન માટે મતદાતાઓની કતારો જોવા મળી હતી.

ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ :  રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્‍ય વિભાજન/મધ્‍યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ના ચૂંટણી કાર્યક્રમ અન્‍વયે ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું છે. વાદળછાયાં વાતાવરણ વચ્‍ચે પણ કુલ ૬૩ ગ્રામ પંચાયતોમાં મતદારોએ મતદાન માટે ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો.

ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં ૧ ગ્રામ પંચાયતમાં ૮૪.૪૩ટકા, સુત્રાપાડામાં ૧ ગ્રામ પંચાયતમાં ૪૮.૦૪ટકા, કોડીનારમાં ૬ ગ્રામ પંચાયતમાં ૬૬.૪૪ટકા, ઉનામાં ૪ ગ્રામ પંચાયતમાં ૫૯.૩૮ટકા, ગીરગઢડામાં ૪ ગ્રામ પંચાયતમાં ૬૩.૬૫ટકા એમ કુલ ૧૬ ગ્રામ પંચાયતોમાં ૬૪.૯૬ટકા મતદાન નોંધાયું હતું.

જ્‍યારે ગ્રામ પંચાયતોની સામાન્‍ય/મધ્‍યસત્ર/વિભાજન ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં ૭ ગ્રામ પંચાયતમાં ૮૩.૮૧ટકા, તાલાલામાં ૧૦ ગ્રામ પંચાયતમાં ૭૨.૭૧ટકા, સુત્રાપાડામાં ૫ ગ્રામ પંચાયતમાં ૮૩.૩૬ટકા, કોડીનારમાં ૧૮ ગ્રામ પંચાયતમાં ૮૧.૦૪ટકા, ઉનામાં ૨ ગ્રામ પંચાયતમાં ૬૯.૯૨ટકા, ગીરગઢડામાં ૫ ગ્રામ પંચાયતમાં ૬૬.૨૬ટકા એમ કુલ ૪૭ ગ્રામ પંચાયતોમાં ૭૬.૮૦ટકા મતદાન નોંધાયું હતું.

ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી એન.વી.ઉપાધ્‍યાયના વડપણમાં અને નિવાસી અધિક કલેક્‍ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શનમાં ચૂંટણી સ્‍ટાફે પણ ઉત્તમ કામગીરી દાખવી હતી.  જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવાની સાથે-સાથે જ પોલીસતંત્ર અને વહીવટી તંત્રએ મતદારોને મતદાન માટે અગવડતા ન પડે તેનું ખાસ ધ્‍યાન રાખ્‍યું હતું.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્‍ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્‍યા છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે  ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્‍યાથી મતદાન શરૂ થયું છે. વહેલી સવારે ૭ વાગ્‍યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો  ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી.

મોરબી

મોરબી જીલ્લાની ૪૦ ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણીમાં ૭૯.૩૪ ટકા તથા પેટા ચૂંટણીમાં ૬૩.૧૧ ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં ૭૧.૨૨ ટકા મતદાન થયું છે.

સામાન્‍ય અને મધ્‍યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની ૮ ગ્રામ પંચાયતોમાં ૭૫.૨૬ ટકા, હળવદ તાલુકાની ૭ ગ્રામ પંચાયતોમાં ૮૭.૪૨ ટકા, વાંકાનેર તાલુકાની ૭ ગ્રામ પંચાયતોમાં ૮૦.૧૯ ટકા, માળિયા તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં ૭૭.૧૦ ટકા અને ટંકારા તાલુકાની ૨ ગ્રામ પંચાયતોમાં ૭૧.૬૧ ટકા મળી સરેરાશ ૭૯.૩૪ ટકા મતદાન થયું છે.

પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની ૫ ગ્રામ પંચાયતોમાં ૫૪.૫૫ ટકા, હળવદ તાલુકાની ૧ ગ્રામ પંચાયતોમાં ૭૬.૫૯ ટકા, વાંકાનેર તાલુકાની ૭ ગ્રામ પંચાયતોમાં ૬૫.૯૦ ટકા મળી સરેરાશ ૬૩.૧૧ ટકા મતદાન થયું છે.

(11:54 AM IST)