તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
જૂનાગઢ મનપાના કમિશનરની રાજકોટ કલેકટર તરીકે બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહ યોજાયો
ભવિષ્યમાં જૂનાગઢના કલેક્ટર તરીકે ફરી આવો તેવી શુભેચ્છા : મેયર ધર્મેશ પોશિયા : દોઢ વર્ષમાં ખૂબ સારી કામગીરી થઈ તેનું કારણ પોલિટિકલ, વહીવટી અને સ્ટાફ તેમજ મીડિયાનો સાથ રહ્યો જેના કારણે નાના મોટા કાર્યો કરવાનું સંભવ બન્યુ : કમિશનર ડો. ઓમ પ્રકાશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો. ઓમ પ્રકાશની રાજકોટ કલેકટર તરીકે બઢતી સાથે બદલી થઈ છે. દરમિયાન ૨૦ જૂને જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું જે જૂનાગઢમાં તેમનું અંતિમ જનરલ બોર્ડ હતું.આ જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ કમિશનર ડો. ઓમ ઙ્કકાશનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેશનના કર્મચારી ગીરાબેન જોષી સહિત કર્મચારીઓએ કમિશનર ડો. ઓમ પ્રકાશને હાર પહેરાવી,પુષ્પગુચ્છ આપી ભાવભેર વિદાય આપી હતી.
દરમિયાન મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે, કમિશનર ડો. ઓમ પ્રકાશે જૂનાગઢ શહેરને સારું શહેર બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. અત્યારે તેની રાજકોટના કલેક્ટર તરીકે બઢતી સાથે બદલી થઈ છે પરંતુ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં તેઓ જૂનાગઢ કલેક્ટર તરીકે ફરી જૂનાગઢમાં આવે. ડેપ્યુટી મેયર આકાશ કટારાએજણાવ્યું હતું કે કમિશનરના કાર્યકાળ દરમિયાન જૂનાગઢમાં ખૂબ સારા કામ થયા છે. જે કામોએ જૂનાગઢને આગવી ઓળખ આપી છે. તો રાજકોટમાં કલેકટર તરીકે પણ સારી કામગીરી કરી સિદ્ધિ મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, કમિશનર ડો.ઓમ પ્રકાશ વિઝનરી કમિશનર છે. તેમના સમયમાં પ્રવાસીઓની એન્ટ્રી થાય છે તે એન્ટ્રી ગેટ, દિવાલોને રંગોથી સુશોભિત કરાયા છે ,ફૂટપાથો બનાવી છે. અનેક માર્ગોને રોશનીથી ઝળહળતા કર્યા છે. જૂનાગઢને સુંદર જૂનાગઢની નવી ઓળખ આપી છે. ત્યારે રાજકોટમાં પણ આપની મહેનત અને વિઝનરીથી નવી દિશા આપની રાહ જોઈ રહી છે.
જ્યારે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ કહ્યું હતું કે, કમિશનર ડો.ઓમ પ્રકાશે ઘણા સારા કાર્ય કર્યા છે જે કાર્યો તેના વહીવટી શાસન દરમિયાન થયા છે. તેમના વહીવટી શાસન દરમિયાન થયેલા સારા કાર્યોને જૂનાગઢની જનતા હમેશા યાદ રાખશે. રાજકોટ કલેકટર તરીકે બઢતી સાથે બદલી થઈ છે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાને લગતું કોઈ માર્ગદર્શનની જરૂર પડશે તો આપને મળવા રાજકોટ જરૂર આવીશું.
પોતાના સન્માન પ્રત્યુતરમાં કમિશનર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે દોઢ વર્ષમાં ખૂબ સારી કામગીરી થઈ તેનું કારણ પોલિટિકલ, વહીવટી અને સ્ટાફ તેમજ મીડિયાનો સાથ રહ્યો તે છે. જેના કારણે નાના મોટા કાર્યો કરવાનું સંભવ બન્યુ છે. જ્યારે જૂનાગઢ બદલી થવાની હતી ત્યારે ઘણા બધા ફીડબેક આવ્યા હતા જેનાથી માથા પર ચિંતાની લકીર ઉપસી આવે, પરંતુ જે પડકારોથી ડરે તેના માટે ચિંતા હોય. જૂનાગઢમાં પોઝિટિવ માહોલ છે. જે વિકાસના કામો થયા છે તે બેઝિક એટલે કે ફાઉન્ડેશન છે જેની અસર ત્રણથી ચાર વર્ષ પછી થશે. જીઆઈએસના કારણે પ્રોપર્ટી નવી બનશે તો તેની જાણ થશે જેથી પ્રોપર્ટી ટેક્સમાં વધારો થશે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પણ રજૂ કર્યા છે. રોડની બંને તરફ પ્લાન્ટેશન કરવાનું કામ કર્યું છે જેથી છાયા વાળું ઓક્સિજન યુક્ત વાતાવરણ બની રહેશે. શહેરમાં અઢીથી ત્રણ લાખ વળક્ષો વાવવાનું લક્ષ્ય છે. દરેક વ્યક્તિ એક વળક્ષ વાવે અને ઉછેરે તેવી અપીલ છે. સાથે પશુઓનું ન્યુસન્સ દૂર કરવા માટે જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડી મનપા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. હજુ નવી રૂ.૧,૦૦૦ પેઢીને રાખી શકાય તેવી ગૌશાળા બની રહી છે અને વેટરનરી હોસ્પિટલ પણ બનશે. જૂનાગઢ રાજ્યનું એકમાત્ર શહેર છે જ્યાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે અને ઘાસચારો વેચનારા ૧૨૫ થી વધુ સામે એફ.આઇ.આર થઈ છે. જુનાગઢ ની જનતાને બીજી અપીલ છે કે, ઘાસચારો કે રોટલીનું દાન કરવા ઈચ્છતા લોકો જાહેરમાં ઘાસચારો કે રોટલી ન નાખતા ગૌશાળામાં જે ગાયો છે ત્યાં જઈને દાન આપે.(તસ્વીરઃમુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
