<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પશુધનની કાળજી લેતી સરકાર :જામનગર જીલ્લામાં “1962 -એનીમલ હેલ્પલાઇન” થકી 5 વર્ષમાં 3,26,017 પશુઓની સારવાર કરાઈ

પશુપાલન વિભાગ અને GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેવા થકી મુંગા પશુ પક્ષીઓને નવજીવન મળ્યું : જામનગર જિલ્લામાં કુલ ૩૪ હરતા-ફરતા પશુ દવાખાના કાર્યરત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩  :  રાજ્ય સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમ હેઠળ “1962-એનીમલ હેલ્પલાઈન” શરુ કરવામાં આવી છે. અબોલ પશુ-પક્ષીઓને સ્થળ પરજ તાત્કાલીક સારવાર આપવામાં આવતા પશુપાલક માટે એનીમલ હેલ્પલાઇન દેવદુત સમાન સાબીત થઈ છે. 

પશુપાલન વિભાગ અને GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેવા થકી જૂન ૨૦૨૦ થી ૨૦ જૂન ૨૦૨૫ સુધીમાં જામનગર જીલ્લાના 3,26,017 મુંગા પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે. જામનગર જિલ્લામાં કુલ ૩૪ હરતા-ફરતા પશુ દવાખાના કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં 64569 પશુઓની સારવાર કરી જેમાં 27377 ભેંસ, 25579 ગાય, 5658 બકરી, 4521 ધેટા, 1123 કુતરા અને બીલાડી, ધોડા, કબુતર અને ચકલીઓની સારવાર કરાઈ છે. હરતા ફરતા પશુ દવાખાના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાઇલટ કમ ડ્રેસર હાજર હોય છે. હરતા ફરતા પશુ દવાખાનાની સેવા નક્કી કરાયેલા રૂટ પ્રમાણે અને ઈમરજન્સી કેસને ધ્યાને લઈને આપવામાં આવે છે. 

કોઈપણ ઈમરજન્સી પરીસ્થિતીમાં 1962 આ  હેલ્પલાઈન પર સંપર્ક કરીને આ સેવાનો લાભ મેળવી શકાય છે. હરતા ફરતા પશુ દવાખાના દ્વારા જરૂર જણાયે તાત્કાલીક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં હરતા ફરતા પશુ દવાખાના સીવાય કરૂણા એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે. જે બીનવારસુ પશુપક્ષીઓને સ્થળ પર સારવાર આપે છે. 

કરૂણા એનીમલ એમ્બયુલન્સનો સમય સવારના 8:00 વાગ્યા થી રાત્રે 8:00 વાગ્યા સુધી અને હરત ફરતા પશુ દવાખાનાનો સમય સવારના 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હોય છે. કોઈપણ વિસ્તારમાં કોઈપણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત 1962 નંબર પર ફોન કરી સંપર્ક કરવા GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન તથા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરશ્રી ચિંતન પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

 

(4:08 PM IST)