News of Tuesday, 24th June 2025
સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ બાદ નુકશાનીનું નિરીક્ષણ કરતા મહેશ કસવાલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૪: સાવરકુંડલા તાલુકામાં થયેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી અતિવળષ્ટિની પરિસ્થિતિને પગલે, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તાલુકાના હીપાવડલી, મેકડા, ફિફાદ, આકોલડા, ઘોબા અને પીપરડી ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારે વરસાદને કારણે થયેલી નુકસાનીનું સ્થળ પર જ નિરીક્ષણ કરવાનો અને અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય પહોંચાડવા તથા રાહત કામગીરી ઝડપથી થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવાનો હતો.
ધારાસભ્યશ્રી કસવાલાએ ગામોમાં ફરીને પાણી ભરાવાના કારણે થયેલા નુકસાન, ખેતીવાડીને થયેલી અસર અને સ્થાનિક રહીશોની સ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી અને તેમને શકય તમામ મદદની ખાતરી આપી હતી.
આ તકે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
