News of Tuesday, 24th June 2025
લખતરના લીલાપુર ગામે મીની ટ્રેક્ટર નદીમાં ખાબક્યું
મોટી જાનહાની ટળીઃટ્રેક્ટરના આગળના ટાયરનો ગુટકો તૂટી જતા ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું

સુરેન્દ્રનગર,તા.૨૪
સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં રોડ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના લીલાપુર અને કારેલા ગામ વચ્ચે પસાર થતી ઉમય નદીના કોઝવે ઉપર સવાર ખેડૂત મીની ટ્રેક્ટર લઈ ખેતી કરવા જઈ રહ્યો હતો, ત્યારે નદીના કોઝવે ઉપર ખેડૂત ટ્રેક્ટર લઈ પહોંચ્યો હતો, તે સમયે ટ્રેક્ટરના આગળના ટાયરનો ગુટકો તૂટી જતા ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.
ટ્રેક્ટર નદીની અંદર પડી જવાની જાણ લીલાપુર ગામના ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. જેમાં ટ્રેક્ટરના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટેકટરની મદદ લેવામાં આવી હતી. લીલાપુર કારેલા વચ્ચે આવેલા ઉમય નદીનો કોઝવે ઉપર પુલ બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઈંગરોળી જેવા ગામજનો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિક કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ કોઝવે ઉપર પુલ બનાવવામાં નથી આવ્યો, ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર અતિશય પાણી હોવાથી કારેલા અને ઇંગરોળી તેમજ ઢાંકી જવા માટે ગ્રામજનોને ૩૦થી ૪૦ કિલોમીટર ફરવા મજબૂર બનવું પડે છે. ગ્રામજનોની રજૂઆતને લઈ વહેલી તકે આ કોઝવે ઉપર પુલ બનાવવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.તમને જણાવી દઈએ કે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં ૪ દિવસ બાદ વરસાદી માહોલ જામ્યો છે. લખતર શહેર તેમજ ગ્રામ્યમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લખતર તાલુકાના ડેરવાળા, માલીકા, છારદ, તલસાણા, દેવરીયા, ભડવાણા, તલવણી જેવા ગામડામાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે વરસાદ શરૃ થતા ખેડૂતોએ વાવેલા પાકોને જીવનદાન મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ લખતર તાલુકા તેમજ ગામમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ જામતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
