News of Wednesday, 25th June 2025
તોરણીયા નકલંક ધામમાં અષાઢી બીજ મહોત્સવનો કાલથી પ્રારંભ
ભવ્યસંતવાણી પુ.રાજેન્દ્રદાસબાપુના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીજ્ઞેશ બારોટ સહિત એક ડઝનથી વધુ કલાકારો બે દિવસ સુધી જમાવટ કરશેઃ શુક્રવારે ધ્વજારોહણ, બટુક ભોજન, મહાઆરતી, સમુહ પ્રસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી દર્શનીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૫: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામ ખાતે આગામી તા.૨૬ને ગુરૂવાર અને તા.૨૭ને શુક્રવારના રોજ નકલંક ધામ તોરણીયા, હરિદ્વાર અને રામદેવરા રાજસ્થાનના મહંત શ્રી તેમજ અખિલ ભારતીય સંત સમિતિ(ગુજરાત)ના ઉપાધ્યક્ષ પુ.રાજેન્દ્રદાસબાપુના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે.
પૂ.રાજેન્દ્રદાસબાપુએ જણાવ્યુ હતુ કે પ.પૂ સંતશ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંક ધામના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજનો મહાઉત્સવ ધામધુમથી ઉજવવાનું આયોજન કરેલ છે.
જેમાં ગુરૂવાર સાંજે ૭ કલાકે મહાઆરતી અને ૭૧૩૦ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમમાં રામદાસ ગોંડલીયા પરસોત્તમપુરી ગોસ્વામી, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ, મયુર દવે, જયદિપ સોની, જયદેવ ગોસાઈ સહિતના કલાકારો જમાવટ કરશે. અંતે સ્ટેજનુ સંચાલન પોપટ માલધારી કરશે.
પૂ.રાજેન્દ્રદાસબાપુ એ વધુમાં જણાવેલ કે તા.૨૭ને શુક્રવારે અષાઢી બજના પાવન દિવસે સવારે ૮:૩૦ કલાકે ધ્વજાજીનું પુજન કરાશે. અને ધ્વજારોહણ કરવામાં આવશે. અને ૧૧ કલાકે બટુક ભોજન અને સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ ૭:૩૦ કલાકે સમુહ પ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રામદાસ ગોંડલીયા, પરસોતમપુરી ગોસ્વામી, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ સહિતના કલાકારો જમાવટ કરશે અને સ્ટેજનું સંચાલન પોપટ માલધારી કરશે.
આ દ્વિ દિવસીય ધર્મોત્સવમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. તેમજ ભાવિકો પણ બહોળી સંખ્યામાં આ ધર્મોત્સવનો લાભ લેવાના હોય ત્યારે પૂ.રાજેન્દ્રદાસબાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઈ રહી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
