News of Wednesday, 25th June 2025
સૂર્યા રામપરામાં ખોટી વાતો કરવાની ના પાડતાં શિલ્પા ઝાલાને મારકુટ
કુટુંબી ભાઇ છગને પાઇપથી ફટકારતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: કુવાડવા નજીકના સૂર્યા રામપરા ગામે રહેતી શિલ્પાબેન ભુપતભાઇ ઝાલા-કોળી (ઉ.વ.૨૧)ને તેના કુટૂંબી ભાઇ છગનભાઇ સહિતે પાઇપથી માર મારતાં કુવાડવા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. શિલ્પાબેને કહ્યું હતું કે તેણીના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પોતે ઘર પરિવારને મદદરૂપ થતાં કંપનીમાં નોકરી કરવા જાય છે. આથી કુટુંબી ભાઇ છગન સહિતના ખોટી વાતો કરી પરેશાન કરતાં હોઇ અને નોકરીએ નહિ જવાનું કહેતાં હોઇ તેને સમજાવવા જતાં હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
અમરેલીમાં ટ્રક પર દોરડુ છોડતી વખતે પટકાતાં જસદણના વૃધ્ધનું મોત
બાંસઠ વર્ષના વિનોદભાઇ કુંભાણી મગફળી ભરીને ગયા હતાં: રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક
રાજકોટ તા. ૨૫: અમરેલીમાં મગફળી ભરેલા ટ્રક ઉપર ચડી તાલપત્રીનું દોરડુ છોડતી વખતે પડી જતાં ટ્રકચાલક જસદણના વૃધ્ધનું માથામાં ઇજા થવાથી મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ જસદણમાં ચીતલીયા રોડ મોતી ચોકમાં રહેતાં વિનોદભાઇ બચુભાઇ કુંભાણી (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ ગત સાંજે અમરેલીમાં લાઠી બાયપાસ રોડ પર રામ જીન નજીક પોતાના ટ્રક ઉપર તાલપત્રીનું દોરડુ છોડતાં હતાં ત્યારે બેલેન્સ ગુમાવતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ વિનોદભાઇ અપરિણીત હતાં. તે ટ્રક હંકારી ગુજરાન ચલાવતાં હતાં અને ત્રણ ભાઇમાં નાના હતાં. મગફળી ભરીને અમરેલી ગયા હોઇ ત્યાં આ ઘટના બની હતી.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
