<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વાછરડી રોડ પર દોડી આવતાં બાઇક સ્‍લીપઃ દંપતિ ફંગોળાયુ, પત્‍નિનું મોત

લાઠીની આલમગીરી ચોકડી પાસે બનાવઃ પત્‍નિ પારૂલે રાજકોટમાં દમ તોડયો, પતિ નકરૂ ઉર્ફ લખનનો ઇજા સાથે બચાવઃ બે પુત્ર મા વિહોણા થયા

 

 

રાજકોટ તા. ૨૬: અમરેલીના લાઠી નજીક આલમગીરી ચોકડી પાસે રોડ પર વાછરડી દોડી આવતાં બાઇક સ્‍લીપ થઇ જતાં  બાઇકચાલક યુવાન અને તેની પત્‍નિ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ પત્‍નિનું મોત થતાં દંપતિ ખંડીત થયું હતું. આ બનાવથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ લાઠીમાં કિશોરભાઇની વાડીમાં રહી મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો નકરૂભાઇ ઉર્ફ લખન કુરજીભાઇ કનોડા (ઉ.વ.૨૮) પોતાની પત્‍નિ પારૂલ (ઉ.વ.૨૭)ને બાઇકમાં બેસાડી અમરેલી ખાતે કપાસના પૈસા લેવા અને ત્‍યાંથી હટાણુ કરવા ગયો હતો. બાદમાં બંને પરત લાઠી તરફ જતાં હતાં તે વખતે રસ્‍તામાં આલમગીરી ચોકડીએ પહોંચ્‍યા ત્‍યારે રસ્‍તામાં અનેક ખુંટીયા, વાછરડી, વાછરડા ઉભા હતાં. આ વખતે ઢોર બાખડતાં એક વાછરડી દોટ મુકીને રોડ પર આવી જતાં નકરૂભાઇ ઉર્ફ લખને બાઇક પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્‍લીપ થઇ જતાં બંનેને ઇજા થઇ હતી.

અમરેલી સારવાર અપાવી બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન પારૂલબેનનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, પ્રશાંતભાઇ સહિતે લાઠી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મુળ એમપીની વતની હતી. તેને સંતાનમાં બે પુત્ર છે. જે મા વિહોણા થઇ ગયા હતાં.

(10:47 AM IST)