<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વારેઘડીએ પાણીના હોજ તરફ જતાં સંતાનોને પત્‍નિએ માર મારતાં દુઃખી થઇ પતિનો આપઘાત

હળવદના વાંકીયા ગામનો બનાવઃ નવલે ઝેર પી સાળાને ફોન કર્યોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

 

 

રાજકોટ તા. ૨૬: હળવદના વાંકીયા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં યુવાનની પત્‍નિએ વાડીમાં આવેલા હોજ તરફ વારેઘડીએ જતાં સંતાનોને ટપારી જાપટો મારી લેતાં આ બાબતે યુવાનને માઠુ લાગી જતાં ઝેર પી આપઘાત કરી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાંકીયા ગામે મનિષભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીના નવલ રાજુભાઇ મોહનીયા (ઉ.વ.૨૫) નામના યુવાને ઝેરી દવા પી લેતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર નવલ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે મુળ મધ્‍યપ્રદેશનો વતની હતો. ગત સાંજે તેણે વાડીમાં ઝેર પીધા બાદ ચરડવા ગામે રહેતાં અને જીઇબીમાં મજૂરી કરતાં સાઢુ સતિષ ભુરીયાને ફોન કરી પોતે દવા પી લીધાની જાણ કરતાં સાઢુ ત્‍યાં પહોંચ્‍યા હતાં અને તુરત નવલને સારવાર માટે ખસેડયો હતો. પરંતુ રાજકોટમાં તેણે દમ તોડી દીધો હતો. તપાસમાં ખુલ્‍યા  મુજબ નવલની પત્‍નિ સરિતાએ બાળકો વારંવાર વાડીના હોજ નજીક જતાં રહેતાં હોઇ તેને ઠપકો દઇ લાફા મારી લીધા હતાં. આ બાબતે નવલને પત્‍નિ સાથે ચડભડ થઇ હતી અને માઠુ લાગી ગયું હતું. આથી તેણે આ પગલુ ભરી લીધું હતું. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં હળવદ પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી.

(10:48 AM IST)