<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ગિરનાર પર્વતના શિખર પર દિગંબર જૈન સમાજના 'નિર્વાણ લાડુ નિર્માણ મહોત્સવ: લાડુ ચઢાવવાની મંજૂરી નહીં મળતા નારાજગી

જિલ્લા વહીવટી તંત્રએ હાઈકોર્ટના નિયમોને ટાંકીને શિખર સુધી લાડુ ચઢાવવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરતા ભારે અસંતોષ અને વિરોધનો માહોલ ફેલાઈ ગયો

જૂનાગઢ :આગામી 2 જુલાઈના રોજ યોજાનાર આ ધાર્મિક મહોત્સવ પૂર્વે દિગંબર જૈન સમાજે શિખર સુધી લાડુ ચઢાવવાની પરવાનગી માંગી હતી, પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ હાઈકોર્ટના નિયમોને ટાંકીને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ નિર્ણયને પગલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત દેશભરના દિગંબર જૈન અનુયાયીઓમાં ભારે અસંતોષ અને વિરોધનો માહોલ ફેલાઈ ગયો છે.

 

દિગંબર સમાજના શ્રદ્ધાળુઓ માટે 2 જુલાઈનો 'લાડુ નિર્માણ દિવસ' એ આસ્થાનો એક મહાપર્વ છે. આ દિવસે હજારો ભાવિકો ગિરનાર પર્વત પર બિરાજમાન ભગવાન નેમિનાથના મોક્ષસ્થળે દર્શન અને લાડુ ચઢાવવા માટે ઉમટી પડે છે. પરંપરાગત રીતે ઉજવાતા આ મહોત્સવ માટે આ વર્ષે પણ ભાવિકોએ પૂરી શ્રદ્ધાપૂર્વક તૈયારીઓ શરૂ કરી હતી. જોકે, કલેક્ટર કચેરી દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં શિખર પર લાડુ ચઢાવવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તંત્રએ માત્ર ગુરુદત્ત શિખર પર શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાની છૂટ આપી છે, જે દિગંબર સમાજને મંજૂર નથી.

 

દિગંબર જૈન સમાજના મહારાષ્ટ્ર સ્થિત આગેવાન સુધીર બાજે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તંત્ર દ્વારા યોજાયેલી બેઠકમાં દિગંબર સમાજના કોઈ અધિકૃત પ્રતિનિધિ હાજર નહોતા. જૂનાગઢના માત્ર સ્થાનિક કર્મચારીઓને પ્રતિનિધિત્વ આપીને જે નિર્ણય લેવાયો છે, તે અમારી ધાર્મિક લાગણીઓની અવગણના સમાન છે.

બીજી તરફ, ગુરુદત્ત સંસ્થાનના કૈલાસ પુરોહિતે કલેક્ટરના નિર્ણયને આવકાર્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કલેક્ટરે જે નિર્ણય કર્યો છે તે હાઈકોર્ટના ચુકાદાના આધારે સંપૂર્ણપણે યોગ્ય છે. દર્શન કરી શકાશે અને ભવનાથ ક્ષેત્રમાં નીચે લાડુ મૂકી શકાશે, પરંતુ શિખર પર નહીં. કલેક્ટરના આ નિર્ણયને સૌ સાધુ-સંતો આવકારે છે.

(1:50 PM IST)