News of Saturday, 28th June 2025
આમાં ક્યાંથી ભણશે ગુજરાત ? શાળા પ્રવેશોત્સવ ટાણે જ અચાનક વિદ્યાર્થીઓ માથે પોપડા પડયા : સ્કૂલમાં દોડધામ
શાળાની જર્જરિત હાલતનો બોલતો પુરાવો : ઉનાના લેરકા ગામે અધિકારીઓ અને વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓ માથે પોપડા પડતા બે વિદ્યાર્થિનીને માથાના ભાગે ઈજા

ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જ અધિકારીઓ અને વાલીઓની હાજરીમાં જ અચાનક વિદ્યાર્થીઓ માથે પોપડા પડ્યા હતા, પરિણામે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી.પોપડા પડવાની ઘટનામાં બે વિદ્યાર્થિનીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ હોય અધિકારીઓ, આગવાનો અને વાલીઓની હાજરીમાં જ આ ઘટના બની હતી, જેનાથી ગ્રામ લોકોમાં રોષ ફેલાયો છે.
મળતી વિગતો અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં આજે સવારે ૧૧ વાગ્યે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓને ધોરણ ૬ના વર્ગખંડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ જર્જરિત ઓરડાની છત પરથી અચાનક પોપડા પડવા માંડ્યા હતા, જેના કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બાલવાટિકામાં અભ્યાસ કરતી રિયાંશી વિપુલભાઈ સોલંકી અને ધોરણ ૧માં અભ્યાસ કરતી દીપનાંશી અશ્વિનભાઈ સોલંકીને માથાના ભાગે ઈજા થઈ હતી. આ ઉપરાંત, ધોરણ ૧માં અભ્યાસ કરતા ભગીરથ ભરતભાઈ શિંગડને પગમાં ઈજા થઈ હતી. આ ત્રણેય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક નજીકના ડોળાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ જિલ્લા અને તાલુકા શિક્ષણાધિકારીઓ લેરકા પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા અને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં શાળાના આચાર્ય દ્વારા પૂરતી કાળજી રાખવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી તેમને અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
