<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ભાવનગરમાં સંવિધાન હત્‍યા દિવસની ઉજવણી

જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્‍માન

ભાવનગર, તા.૨૮: કટોકટી લગાવ્‍યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે સંવિધાન હત્‍યા દિવસની ઉજવણી ધારાસભ્‍ય  જીતુભાઈ વાઘાણીની અધ્‍યક્ષતામાં યશવંતરાય નાટયગળહ ભાવનગર ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્‍થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્‍કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્‍ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્‍યા હતા. ૨૫ જૂન ૨૦૨૫ ના રોજ દેશ પર લદાયેલ આંતરીક કટોકટીને ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર લોકશાહી માટેના એ કાળા દિવસને યાદ કરતા સંવિધાન હત્‍યા દિવસનો કાર્યક્રમ યોજાયો છે.

આ તકે મેયર ભરતભાઈ બારડ અને ધારાસભ્‍ય શ્રીમતી સેજલબેન પંડ્‍યાએ પ્રાસંગિક ઉદ્વોધન કર્યું હતુ. જિલ્લા યુવા વિકાસ અધિકારી  વિક્રમસિંહ પરમારે આ અવસરે સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું.

કટોકટી દરમ્‍યાન જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું પુષ્‍પગુચ્‍છ આપીને અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જો મીસા કાયદા વિશે વાત કરવામાં આવે તો, મીસા એટલે કે મેઈન્‍ટેનન્‍સ ઑફ ઇન્‍ટર્નલ સિકયુરિટી એક્‍ટ (ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો) ૧૯૭૧માં ભારતમાં અમલમાં આવ્‍યો હતો.

ગુજરાત સરકાર દ્વારા આપાતકાલ (કટોકટી) ના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્‍યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્‍થિત નાગરિકોએ નિહાળ્‍યું હતુ.

આ તકે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્‍યુટી મેયર મોનાબેન પારેખ, આગેવાન દિગ્‍વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:24 AM IST)