તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
મજામનગરમાં પુસ્તકનું અનોખુ લોકાર્પણ : 'ઋગ્વેદ કઇ લિપિમાં લખાયેલો' પુસ્તકનું રિડર્સ ક્લબનાં ઉપક્રમે વિમોચન
વરિષ્ઠ સાહિત્યકાર ભવસુખ દેવશંકર શીલુ દ્વારા રચિત પુસ્તક 'ઋગ્વેદ કઇ લિપીમાં લખાયેલો?' નું તેમનાં જ ઘરે પરીવારજનોની ઉપસ્થિતિમાં રિડર્સ ક્લબ જામનગરનાં પિલર્સ અર્થાત પાયારૂપ સભ્યો દ્વારા વિમોચન

(મુકુંદ બદિયાણી દ્વારા) : તાજેતરમાં નગરનાં વરિષ્ઠ સાહિત્યકાર ભવસુખ દેવશંકર શીલુ દ્વારા રચિત પુસ્તક 'ઋગ્વેદ કઇ લિપીમાં લખાયેલો?' નું તેમનાં જ ઘરે પરીવારજનોની ઉપસ્થિતિમાં રિડર્સ ક્લબ જામનગરનાં પિલર્સ અર્થાત પાયારૂપ સભ્યો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા ભવસુખભાઈ રિટાયર્ડ મોટર-વ્હિકલ ઇન્સ્પેકટર છે. મૂળ પાળિયાદના વતની અને નખશીખ જામનગરી ભવસુખભાઈ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા થયેલ છે. એમણે અત્યાર સુધીમાં કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે. ‘પરમ તેજ’ (૨૦૦૬), ‘સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા’ (૨૦૧૪) તેમને આ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, પ્રવાસ, સંગીત અને વાંચનનો શોખ ધરાવતા ભવસુખભાઈ નાદુરસ્ત હોવા છતા ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવે છે. પુસ્તકમાં તેમણે ઇ.સ. પૂર્વે ૧૩૦૦થી લઇને પાણિની દ્વારા મૂળ ૨૧માંથી ૬૩ વ્યંજનોના પ્રકાર સુધીની યાત્રા કરાવી છે. રોમન, ઈજિપ્ત જેવી પ્રાચીન સભ્યતાઓ ઉપરાંત બારાક્ષરી અને અંગ્રેજી આલ્ફાબેટના ઉદ્ભવની વાતને પણ આવરી છે. શિલાલેખોના ચિત્રો અને તેનું અર્થઘટન પણ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું છે. એમણે આ પુસ્તક માટે ઉપયોગમાં લીધેલા ચાલીસથી વધારે રેફરન્સીસની યાદી પણ સામેલ કરી છે.
આ પ્રકારનું સંશોધનાત્મક અને દળદાર પુસ્તક સાહિત્યમાં ઉમેરાયું ત્યારે તેનું વિમોચન પણ આગવી શૈલીમાં થયું. મનથી હજુ પણ યુવાન એવા ભવસુખભાઈને તન કેટલીક મર્યાદાઓમાં રાખી રહ્યું છે. રિડર્સ ક્લબના પિલર્સ દ્વારા એમના ઘરે પરિવારના સભ્યોની હાજરીમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું જે અનોખી પહેલ કહી શકાય.પુસ્તક વિશે વધુ માહિતી માટે (મો. ૭૯૯૦૧૧૮૮૭૯) પર સંપર્ક સાધવા માટે યાદીમાં જણાવાયું છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
