<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

નવા નીરની આવક થતાં ૭૦ % ભરાયો ગીર સોમનાથ જિલ્લાનો શિંગોડા ડેમ

લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સલામત સ્થળે રહેવા સૂચના

ગીર સોમનાથ તા.૩૦ : જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદનાં પરિણામે ગીર ગઢડા તાલુકાનાં જામવાડા ગામ પાસે શિંગોડા સિંચાઇ યોજનામાં ભારે પાણીની આવક થઈ છે.

પાણીની સતત આવકના કારણે બપોરે ૧૧.૩૦ કલાકની સ્થિતિએ ડેમમાં ૮૯૩.૮૨ મી.ઘનફૂટ પાણીનો જથ્થો છે અને પાણીની સપાટીનું લેવલ ૧૩૯.૩૮ મી.ગેજ ૫૪.૪૪ ફૂટ છે.

આમ, શિંગોડા ડેમ ૭૦% ભરાયો છે તેમજ શિંગોડા સિંચાઇ યોજનામાં ડેમનું લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે.

જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે ડેમની હેઠવાસમાં આવતા કોડીનાર તાલુકાના છાછર, દુદાણા ઘાટવડ, ગોવિંદપુર, કોડીનાર, નાના ઇંચવડ, મૂળ દ્વારકા, રોણાજ, સુગાલા, ચૌહાણની ખાણ અને ગીર ગઢડા તાલુકાના જગતિયા, ભંડારિયા, કંસારીયા, જામવાડા, પાણાદર ગામે અસર થવાની શક્યતાં જોતાં લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત તથા સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે.

(1:16 PM IST)