<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કચ્‍છમાં ભાંગફોડનું ષડયંત્ર? કંડલા એરપોર્ટને ઉડાડવાની ધમકીઃ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

કચ્‍છના સામખિયાળી પાસેના રેલવે ટ્રેક ઉપર પાટા ઉપરની પટ્ટીના બોલ્‍ટ ખોલી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરનારાને ઝડપી લેવા શોધખોળઃ કંડલા એરપોર્ટ ઉપર વાંધાજનક કાંઇ ન મળતા હાશકારો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧: કચ્‍છના સામખિયાળી પાસેના રેલવે ટ્રેક ઉપર પાટા ઉપરની પટ્ટીના બોલ્‍ટ ખોલી ટ્રેન ઉથલાવી નાખવાના પ્રયાસે ચકચાર સર્જી છે. રેલવેની માલગાડીના લોકો પાયલોટ અને ગાર્ડને પાટા ઉપર વાંધાજનક કળત્‍ય જણાતા તેમણે ટ્રેન રોકી નજીકના વોંધ રેલવે સ્‍ટેશનના સ્‍ટેશન માસ્‍તરને જાણ કરી હતી.

તરત જ પોલીસને જાણ કરતા ભચાઉ પોલીસ દોડી આવી હતી. પોલીસે આ અંગે અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં કંડલા એરપોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટના ઈ મેઇલ ઉપર સવારે ધમકી આપતો મેલ આવ્‍યો હતો જેમાં એરપોર્ટ આસપાસ બેકપેકમાં શક્‍તિશાળી વિસ્‍ફોટક ગોઠવેલા હોવાનું જણાવી આસપાસની ઇમારતો ખાલી કરવા નહીં તો લોકો મરી જશે એવી ચેતવણી અપાઈ હતી.

એરપોર્ટ મેનેજરે તાત્‍કાલિક પોલીસને જાણ કરતા સઘન તપાસ હાથ ધરાઈ હતી. જોકે, કાંઈ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. આ અંગે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૮)

(10:48 AM IST)