<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ભુજનાં દેશલપરમાં ૬ ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અવિરત ઝરમરીયો

દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, કચ્‍છ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં વરસતો હળવો-ભારે વરસાદ

તસ્વીરમાં કચ્છમાં અને ધોરાજીમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા (ભુજ) કિશોર રાઠોડ (ધોરાજી)

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવો ભારે વરસાદ યથાવત છે. કચ્‍છના ભુજ જીલ્લાના દેશલપરમાં ૬ ઇંચ વરસાદ પડયો છે. જયારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અન્‍ય વિસ્‍તારોમાં ૧ થી ૩ ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, કચ્‍છ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં હળવો ભારે વરસાદ દરરોજ વરસી જાય છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા ભુજ :..  કચ્‍છમાં છેલ્લા ૨૪ કલાક દરમ્‍યાન માંડવીમાં છૂટો છવાયો ૧ થી ૫ ઇંચ, નખત્રાણામાં ૧ થી ૩ ઈંચ, મુન્‍દ્રામાં ૨ ઈંચ, ભુજમાં ૧ ઈંચ જ્‍યારે ભચાઉ, રાપર, લખપત, ગાંધીધામ, અંજાર, રાપરમાં ઝરમર ઝરમર છાંટા પડયા હતા. જોકે, દેશલપર (ભુજ) માં ૬ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્‍યો હતો. છૂટો છવાયો ધોધમાર વરસાદ સુખપર રોહા, ગઢશીશા મઉ, દરશડીમાં પડ્‍યો હતો. એક બાજુ સરકાર કચ્‍છમાં ભારે વરસાદ પડવાની શકયતા અંગે લોકોને સાવધ રહેવા સૂચના આપે બીજી બાજુ જિલ્લા કલેક્‍ટર કચેરીનો કંટ્રોલ રૂમ તાલુકા અને ગ્રામ્‍યવિસ્‍તારમાં પડેલા ધોધમાર વરસાદ કે હાઇ વે ઉપર ભરાયેલા પાણીથી બેખબર હોય? અરે.. સરકારે અલગ ડિઝાસ્‍ટર વિભાગ શરૂ કર્યો હોય ત્‍યારે હાઇવે ઉપર વરસાદી પાણીને કારણે થયેલા ટ્રાફિક જામ વિશે કે ડેમ અંગે હેઠવાસમાં એલર્ટ રહેવાની સૂચના સહિતની માહિતી એક જ સ્‍થળે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળવી જોઈએ. પરંતુ, સામાન્‍ય નાગરિકો તો ઠીક પણ મીડિયાને પણ પૂરી માહિતી કંટ્રોલ રૂમ આપી શકે છે ખરું? સવાલ એ છે કે જવાબદાર અધિકારીઓને બદલે હંગામી કર્મચારીઓને ભરોસે જિલ્લા કંટ્રોલ રૂમનો હવાલો સોંપી દેવાય છે?

કચ્‍છમાં ગઈ કાલે સાંસદ વિનોદ ચાવડાના ગામ નખત્રાણાના સુખપર રોહા અને આસપાસના વિસ્‍તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્‍યો. ગામડાઓના રસ્‍તાઓ ઉપરાંત હાઇવે ઉપર પણ ભારે પાણી ભરાયા ટ્રાફિક જામ થયો વાહનોના થપ્‍પા લાગ્‍યા. જોકે, નખત્રાણા પંથકમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં છૂટો છવાયો ભારે વરસાદ પડ્‍યો પણ સરકારી ચોપડે ઝરમર વરસાદ નોંધાયો. આંકડાઓ અંગે અગાઉ ભુજમાં પણ એવું જ બન્‍યુ હતું.

દ્વારકા

(કૌશલ સવજાણી-વિનુભાઇ સામાણી દ્વારા) ખંભાળીયા-દ્વારકા) : દેવભૂમિ દ્વારકા  જીલ્લાના દ્વારકામાં ર ઇંચ તથા ભાણવડ અને ખંભાળીયામાં પોણા ર ઇંચ તથા કલ્‍યાણપુરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહત્તમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ કિ. મી. રહી છે.

છેલ્લા ર૪ કલાકમાં કાલાવડમાં સાડા ૩ ઇંચ, જોડીયા-લાલપુરમાં ર ઇંચ, જામનગર, ધ્રોલ, જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. માણાવદર અને જુનાગઢમાં ૩ ઇંચ, વંથલીમાં ર ઇંચ, ભેંસાણમાં દોઢ ઇંચ, વિસાવદરમાં  ૧ ઇંચ, મેંદરડામાં અડધો ઇંચ તથા કેશોદ, માળીયા, હાટીનામાં ઝાપટા પડયા છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લાના અનેક વિસ્‍તારોમાં બપોરથી વરસાદી માહોલ જામ્‍યો હતો. મોટાભાગના વિસ્‍તારોમાં ઝાપટા નોંધાયા છે. છેલ્લા ૪ કલાકમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. બાકી અન્‍ય વિસ્‍તારોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

ગોંડલ

(અશોક જોશી દ્વારા) ગોંડલ : કાલે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા :..  ઉપલેટામાં છેલ્લા પાંચેક દિવસથી ચોમાસાની સિઝન સક્રિય થયેલ છે રોજના માટે સવારથી સાંજ સુધીમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસી રહ્યો છે જ્‍યારે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્‍ચે વરસાદી માહોલ બંધાયેલો રહે છે અને લોકો વરસાદી માહોલનો મિજાજ માણી રહ્યા છે.

આવી જ રીતે આજે બપોર દરમિયાન લગભગ બે કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં થયેલ હોવાના સમાચાર મળી રહ્યા છે વરસાદના પગલે લોકો એક તરફ વરસાદની મોજ માણી રહ્યા છે તો બીજી તરફ જનજીવન પર અસર પડી ધંધા રોજગાર ખોરવાઈ જતા બજારની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી શહેરમાં એક ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ વરસાદ પડતાં ધરતીપુત્રોમાં કાચું સોનું વરસતું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્‍યો અને જુનાગઢ રોડ જમનાવડ રોડ જેતપુર રોડ ચકલાં ચોક જેવા વિવિધ વિસ્‍તારોમાં માર્ગો પર પાણી વહેતાં થયા હતાં. (પ-૧ર)

(10:49 AM IST)