<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જામનગર એરપોર્ટ પર 'મોકડ્રીલ' થકી મહાઆફતનો સામનો : મુસાફરો ભરેલા પ્લેનમાં આગનો ભયાવહ સીન સર્જાતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી : ૧૦ મિનિટમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા! : જુઓ વિડીયો

એરફોર્સ, એરપોર્ટ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 'ફુલ સ્કેલ મોક ઈમરજન્સી એક્સરસાઈઝ' : કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ૩૦ પેસેન્જરોને સુરક્ષિત બચાવાયા : તાજેતરના અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના પગલે તંત્રની સજ્જતાની ચકાસણી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર એરપોર્ટ ખાતે આજે એક અતિવાસ્તવિક અને રોમાંચક દ્રશ્ય સર્જાયું, જ્યાં મુસાફરોથી ભરેલા એક પ્લેનના એન્જિનમાં આગ લાગવાની 'કાલ્પનિક' ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. જામનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ ખાતે 'ફુલ સ્કેલ મોક ઈમરજન્સી એક્સરસાઈઝ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ, વાસ્તવિક આપત્તિ સમયે રેસ્ક્યુ કામગીરીની કાર્યક્ષમતા, સંભવિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે ઓછામાં ઓછા સમયમાં પરસ્પર સંકલન સાધી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો હતો.
ઘટનાક્રમ: ૧૦ મિનિટમાં રેસ્ક્યુ ઑપરેશન:
બપોરે ૩:૫૫ કલાકે જામનગર એરપોર્ટ પરથી ઉડાન ભરવા તૈયાર ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં 'આગ લાગી હોવાની' જાણ કરવામાં આવી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ ઘટનાની જાણ જિલ્લા કંટ્રોલરૂમ ખાતે તથા એરફોર્સ સ્ટેશન પર કરાતાની સાથે જ, માત્ર ૧૦ મિનિટના વિક્રમી સમયમાં બચાવ કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.
૩૦ પેસેન્જરો પૈકી તાત્કાલિક સારવારની જરૂર હતી તેવા ૫ પેસેન્જરો અને અન્ય ઈજાગ્રસ્ત ૧૦ સહિત કુલ ૧૫ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટના સ્થળ પર પહોંચી ત્વરિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે સામાન્ય ઈજાગ્રસ્તોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી, અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર એરિયાને સુરક્ષા માટે કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
વિવિધ વિભાગોનું અભૂતપૂર્વ સંકલન:
ગણતરીની મિનિટોમાં જ એરફોર્સ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, આરોગ્ય વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, એરપોર્ટ સ્ટાફ અને પોલીસની ટીમો આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે ધસી આવી હતી. વિવિધ ટીમોએ આપદામિત્રોની મદદથી ઘટના સ્થળે લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. આ મોકડ્રીલ દરમિયાન તમામ વિભાગો વચ્ચેનું સુચારુ સંકલન પ્રશંસનીય રહ્યું હતું.
તાજેતરની ઘટનામાંથી શીખ અને તંત્રની સજ્જતા:
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ નજીક તાજેતરમાં જ પ્લેન ક્રેશ અંગેની દુખદ ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે જામનગર એરપોર્ટ ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક આપત્તિ સમયે તંત્ર કેટલું સજ્જ છે તેની ચકાસણી કરવાનો હતો.
આ મોકડ્રીલમાં એરફોર્સના સ્કવોડ્રન લીડર કેલ્વીન, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંઘ, જામનગર શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, ડીવાયએસપી મિત રુદલ, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ, સહિત વિવિધ વિભાગોના વડા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ મોકડ્રીલથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર અને સંરક્ષણ દળો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સુસજ્જ છે તેવો સંદેશ મળ્યો છે.

(7:09 PM IST)