<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

આપાગીગાના ઓટલાના દર્શને જવા રસ્‍તો ઓળંગતી સાયલાના ધાંધલપુરની મહિલાનું કાર હડફેટે મૃત્‍યુ

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૪ વાહન અકસ્‍માત : બાર વ્‍યકિતઓને ઇજા

 

વઢવાણ, તા.૩: ચોટીલા તેમજ વઢવાણ અને બજાણા પોલીસ મથકે અકસ્‍માતના ૩ બનાવ નોંધાયા છે. જેમાં ચોટીલા હાઈવે પર કાર અડફેટે મહિલાનું મોત થયુ છે. જયારે વઢવાણમાં કારે રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી ખાઈ જતા પને ઈજા પહોંચી છે. બીજી તરફ પીપળી દર્શન કરી બાઈક લઈ પરત જતા વિરમગામના કાલીયાણા ગામના ૩ યુવાનોને ટ્રક અડફેટે ઈજાઓ પહોંચી છે.

સાયલાના ધાંધલપુર ગામે રહેતા મનહરભાઈ મગનભાઈ પ્રજાપતી સોખડા શાળામાં મધ્‍યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવે છે.તેમનો દિકરો મયુર મોરબી રહેતો હોઈ અને અભ્‍યાસ કરતો હોઈ મનહરભાઈ પત્‍ની ગીતાબેન સાથે બાઈક લઈને મોરબી ગયા હતા. જયાંથી પરત ફરતા હતા. ત્‍યારે ચોટીલા હાઈવે પર આપાગીગાના ઓટલે બન્નેને દર્શન કરવા જવાનું હોઈ રોડ પર ડીવાઈડર હોઈ તેઓએ રોડની સામે બાઈક મુકયુ હતુ. અને બન્ને ચાલીને દર્શન કરવા જતા હતા. આ સમયે એક અજાણી કારના ચાલકે ગીતાબેનને ઠોકર મારતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં માથામાં ગંભીર ઈજા થતા ડોકટરોએ ગીતાબેનને મળત જાહેર કર્યા હતા. તપાસ પીએસઆઈ બી.એન.ગળચર ચલાવી રહ્યા છે.

સુરેન્‍દ્રનગરની બીએસએલએલ ઓફીસ પાછળ આવેલ આંબેડકરનગરમાં રહેતા હસુમતીબેન ધીરજલાલ ચૌહાણ મજુરી કરે છે.  તેઓ પરીવાર સાથે કોઈ કામ સબબ મામલતદાર કચેરી, વઢવાણ ગયા હતા. જયાંથી રિક્ષામાં તેઓ તથા તેમનો દિકરો શ્રોયાંસ, તેના પત્‍ની જયોતીબેન, સબંધી મહેશભાઈ મકાભાઈ ચૌહાણ રિક્ષામાં પરત આવતા હતા. ત્‍યારે વઢવાણ ધરમતળાવ વડ પાસે સામેથી રોંગ સાઈડમાં આવેલ કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં હસુમતીબેન સહિત ચાર અને ચાલકને પણ ઈજાઓ પહોંચતા દવાખાને લઈ જવાયા હતા. વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યા છે. પોલીસની પ્રાથમીક તપાસમાં કાર ચાલક ચુડા પંથકના હોવાનું સામે આવ્‍યુ છે.

બીજી તરફ મુળ મહેસાણાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામે રહેતા ૧૯ વર્ષીય કળણાલ પ્રકાશભાઈ રાવળ હાલ વિરમગામના કાલીયાણા ગામે રહે છે. તેઓ તથા તેમનો મિત્ર જીગ્નેશ જયંતીભાઈ ભરવાડ બાઈક લઈને દસાડાના પીપળી ગામે આવેલ રામદેવપીર મંદીરે દર્શન કરવા ગયા હતા. જયાં તેઓના ગામના પુનાભાઈ લધાભાઈ ઠાકોર પણ દર્શને આવ્‍યા હોય ત્રણેય બાઈક પર કાલીયાણા પરત ફરતા હતા. ત્‍યારે માલવણ હાઈવે પર એક ટ્રક ચાલકે બેફીકરાઈથી ચલાવી બાઈકને ઠોકર મારતા ત્રણેય રસ્‍તા પર પટકાયા હતા. પરંતુ પુનાભાઈને વધુ ઈજા હોવાથી ૧૦૮માં વિરમગામની ભાગ્‍યોદય હોસ્‍પિટલ લઈ જવાયા હતા.

વઢવાણમાં નશામાં ધૂત વાહનચાલકે બાઈકને ઠોકર મારી, ત્રણ ઘવાયા

વઢવાણના બોડા તળાવ પાસે મંગળવારે રાતના સમયે નશામાં ધુત ક્રેટા કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈક પર જતા દંપતી અને ૧ બાળકીને પાછળથી ઠોકર મારી હતી. બનાવને પગલે રોડ પર મોટી સંખ્‍યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જયારે બી ડીવીઝન પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી નશામાં ધુત કાર ચાલક વઢવાણ તાલુકાના મેમકા ગામના ૨૬ વર્ષીય રણજીત કાંતીલાલ મકવાણાને ઝડપી લીધો હતો. અને તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્‍યો હતો. જયારે બાઈક ચાલક સલીમભાઈ રજબઅલીભાઈ, તેમના પત્‍ની સાયનાબેન સલીમભાઈ અને ૬ વર્ષની બાળકી નશરીન સલીમભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પીટલ લઈ જવાયા હતા. પોલીસે ઈજાગ્રસ્‍તોના નીવેદનને આધારે નશાખોર ચાલક સામે અકસ્‍માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.(૨૩.૩)

(10:52 AM IST)