તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
જેતપુરમાં બાઇકની ઠોકરે ચડતાં નેપાળી આધેડ સાધુમલ્લાહનું મોત
સાથે રહેતાં યુવાનને લઇ દવા લેવા જતી વખતે થાણાગાલોલના બાઇકચાલકની ઠોકરે ચડી ગયાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: જેતપુરમાં ખીરસરા રોડ પર બાઇકની ઠોકરે ચડી જતાં નેપાળી આધેડ જેતપુરમાં મીનુ પ્રિન્ટીંગ પાસે રહેતાં સાધુમલ્લાહ તુફાનીમલ્લાહ નેપાળી (ઉ.વ.૪૫)નું મોત થયું છે. પોતાની સાથે રહેતાં નેપાળના યુવાનને મજા ન હોઇ તેની સાથે દવા લેવા જતી વખતે આ બનાવ બન્યો હતો. આ બનાવમાં જેતપુર સીટી પોલીસે જેતપુરમાં ખીરસરા રોડ પર ગોૈશાળા પાસે રહેતાં અને મીનુ પ્રીન્ટીંગ નામના સાડીના કારખાનામાં મજૂરી કરતાં મુળ નેપાળના કમલેશ રાજમલ ધોબી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી જેતપુરના થાણાગાલોલના વતની મેહુલ ચેતનભાઇ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
કમલેશે જણાવ્યું છે કે હું ગયા વર્ષે નેપાળથી અહિ મજૂરી કરવા આવ્યો છું. મારી સાથે મારા ગામના સાધુમલ્લાહ તુફાનીમલ્લાહ નેપાળી તથા રાજેન્દ્ર અને ચાંદમતી પણ રહે છે. આ ત્રણેય દોઢેક મહિના પહેલા નેપાળથી અહિ મજૂરીએ આવ્યા હતાં. સાધુમલ્લાહ અગાઉ પણ ગુજરાતમાં મજૂરી કરી ગયેલ, તે જેતુપર વિસ્તારથી પરિચીત હતાં. અમે કંપનીમાં કામ કરી સાથે જ રહેતાં હતાં. તા. ૧/૭ના સાંજે સાડા છએક વાગ્યે હું અને સાધુમલ્લાહ સહિતના રૂમ પર હતાં. બાદમાં અમારી સાથે રહેતાં ચાંદમતીની તબિયત સારી ન હોઇ સાધુમલ્લાહ અને રાજેન્દ્ર ચાંદમતીને સાથે લઇ તેની દવા લેવા ગયા હતાં. રાતે નવેક વાગ્યે મને ફોન દ્વારા જાણ થઇ હતી કે સાધુમલ્લાહનો જેતપુર રોડ પર અકસ્માત થયો છે. કોઇ બાકઇવાળાએ તેને ઠોકરે લીધા છે.
આથી અમે તુરત ત્યાં ગયા હતાં અને તેને જેતપુર સિવિલમાં, ત્યાંથી જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડયા હતાં. અહિ બુધવારે સાંજે તેનું સારવારમાં મોત થયું હતું. અમને પાછળથી જાણવા મળ્યું હતું કે સાધુમલ્લાહ, ચાંદમતી અને રાજેન્દ્ર રોડ સાઇડમાં ચાલીને જતાં હતાં ત્યારે જીજે૦૩ક્યુ-૭૪૧૫ નંબરના બાઇકનો ચાલક તેને ઠોકરે લઇ ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આ બાઇકચાલક થાણાગાલોલનો ચેતન ગોહેલ હોવાનું ખુલ્યું હતું.
મૃત્યુ પામનાર સાધુમલ્લાહ ચાર ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરી અને ત્રણ દિકરા છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જેતપુરના એએસઆઇ આર. એ. વકાતરે જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
