News of Thursday, 3rd July 2025
ગુંદાળાના રાજા ગણોદીયા પર પડવલા અને ખોખડદળ વચ્ચે તાવીથાથી હુમલો
કારચાલકે ઓચીંતુ હોર્ન વગાડતાં ધ્યાન રાખવાનું કહેતાં ચાલક અને સાથેનો શખ્સ તૂટી પડયાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: ગોંડલના ગુંદાળા ગામે અતુલ ગેસ એજન્સીની બાજુમાં રહેતાં અને મજૂરી કરતાં રાજા રવજીભાઇ ગણોદીયા (ઉ.વ.૨૮) નામના યુવાન પર પડવલાથી ખોખડદળના રસ્તે વરૂણ કાસ્ટીંગ સામે પાંચ દિવસ પહેલા સાંજે પોણા આઠેક વાગ્યે અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી તાવીથાથી અને ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી. આ અંગે આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
રાજાભાઇ ગણોદીયા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ આર. એમ. સાખરાએ તેની ફરિયાદ પરથી સફેદ રંગની કીયા કારના ચાલક અને તેની સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે. રાજા ગણોદીયાના કહેવા મુજબ તે ૨૮મીએ સાંજે પોણા આઠેક વાગ્યે પડવલાથી ખોખડદળના રસ્તેથી ચાલીને જતો હતો ત્યારે સફેદ કારના ચાલકે અચાનક હોર્ન મારતાં તેના ચાલકને ગાડી જોઇને ચલાવવાનું કહેતાં તેણે અને સાથેના શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ તાવીથાથી માર મારતાં કાન પાસે અને શરીરે ઇજા થઇ હતી. તેમજ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
