News of Friday, 4th July 2025
જામકલ્યાણપુરમાં ધોધમાર વરસાદ, હર્ષદ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા
દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો :કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

દ્વારકા,તા.૪
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
દ્વારકાના જામકલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ અને બજારોમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામે હર્ષદ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દ્વારકાના જામકલ્યાણપુર, લાંબા,સતાપર, નાવદ્રા,ભોગાત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર નદીઓ વહેતી થઈ હતી. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
