News of Saturday, 5th July 2025
પશ્ચિમ કચ્છમાં છૂટો છવાયો ૧ થી ૫ ઈંચ સુધી ધોધમાર વરસાદ : ખોંભડી ગામે ૩૦ ગાયો તણાઈ
સાંયરામાં મંદિર ઉપર વીજળી પડી, ગઢશીશામાં કાર ફસાઈ, નખત્રાણામાં પાણી ભરાતા ટ્રાફિક જામ, પૂર્વ કચ્છમાં એક ઇંચ સાથે ઝરમર ઝરમર, જિલ્લા કંટ્રોલ રૂમના આંકડાઓ અનુસાર તાલુકા મથકોએ શાંત વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છમાં તાલુકા અને જિલ્લા મથકોએ સામાન્ય વરસાદ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ છુટી છવાઈ તોફાની બેટિંગ કરી હતી. જોકે, કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય કંટ્રોલ રૂમ તેમ જ તાલુકા કંટ્રોલ રૂમમાં ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ ધોધમાર વરસાદ અંગેની કોઈ માહિતી સત્તાવાર જાહેર કરાઈ નથી. પરંતુ સ્થાનિક મીડિયામાં આ અંગે આવેલ અહેવાલો અનુસાર પશ્ચિમ કચ્છમાં એક થી પાંચ ઇંચ વરસાદ વચ્ચે અમુક ગામોમાં ધોધમાર વરસાદે લોકોમાં ચિંતા સર્જી હતી. નખત્રાણા પંથકના ખોંભડી ગામે ૩૦ જેટલી ગાયો મેકણ સાગર ડેમના પાણીમાં તણાઈ હતી. જ્યારે નખત્રાણામાં પાણી ભરાતા પોલીસે બાજી સંભાળી હતી. ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા પોલીસે નાના વાહન ચાલકોને પાણીના વાહન નાખવાની મનાઈ કરી હતી. નખત્રાણાના મંગવાણા ગામે ત્રણ દિવસમાં ફરી ૫ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. પરિણામે ગામમાં ફરી પાણી ભરાયા હતા. આમારા, નાગવીરી ગામે તળાવ ભરાયું ઓગની ગયા હતા. નખત્રાણા ભુજ હાઇ વે ઉપર આવેલ સાંયરા ગામે મંદિર ઉપર વીજળી ત્રાટકી હતી. કોટડા જડોદર ગામે ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. નખત્રાણા માંડવીને જોડતા ગઢશીશા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મઉ ગામને જોડતી નદીમાં કાર ફસાઈ હતી. જિલ્લા સરકારી કંટ્રોલ રૂમના ગઈકાલે સવારના ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી માહિતી ખાતા મારફતે અપાયેલા આંકડા અનુસાર રાપર ૧ મીમી, અબડાસા ૧ મીમી, ગાંધીધામ ૦, નખત્રાણા ૨૪ મીમી, ભચાઉ ૦ મીમી, ભુજ ૨૫ મીમી, મુન્દ્રા ૩ મીમી, માંડવી ૮ મીમી, રાપર ૨૫ મીમી અને લખપતમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
