<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સંઘ દ્વારા ઐતિહાસિક ૫૦ ટકા જેટલો માતબર પગાર વધારો

નોન ટીચિંગ સ્ટાફના પગારમાં ૫૦ ટકા વધારો થતાં કર્મચારીઓ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો : ફિક્સ પગારનો પ્રશ્ન ઉકેલાયા બાદ અન્ય રજૂઆતોના ઉકેલ માટે ખાતરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સંઘ દ્વારા ઐતિહાસિક ૫૦ ટકા જેટલો માતબર પગાર વધારો થતાં આજરોજ વિરામ હોટલ ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. 

કચ્છ યુનિવર્સિટીમાં વર્ષ 2004 થી યુનિવર્સિટી ની સ્થાપના થઈ છે એ સમયથી યુનિવર્સિટીમાં નોંન ટિચિંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 2004 થી લઇ 2012 સુધી જરૂરિયાત અનુસાર યુનિવર્સિટીએ બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક કરેલી‌ હતી, આ તમામ કર્મચારીઓ આટલા વર્ષોથી ફિક્સ પગારમાં ફરજ બજાવે છે. ત્યારે એમના પગારના પ્રશ્નો વર્ષોથી વણઉકેલ્યા રહેલા હતા. તેનો સન્માનજનક રીતે 50% જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે. 

યુનિવર્સિટીમાં શરૂઆતથી જ નિષ્ઠાપુર્વક,ખંતથી ફરજ બજાવતા આ તમામ કર્મચારીઓ માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ચાર સભ્યો મનોજભાઈ સોલંકી, કિરણભાઈ આહીર, રામભાઈ ગઢવી અને સી.એ. અનીમેશ મોદીની  એક સમિતિ બનાવી કર્મચારીઓના પગાર વધારા માટે નિમણૂક કરવામાં આવી હતી. સમિતિએ ખૂબ જહેમતથી કર્મચારીઓને વધારેમાં વધારે સારો પગાર કઈ રીતે આપી શકાય એ માટે મહેનત કરી એ માટે યુનિવર્સિટી અને યુનિવર્સિટી બહાર યુનિવર્સિટીની ચિંતા કરનાર સૌનો સહયોગ મેળવી સમિતિનો અહેવાલ તૈયાર કર્યો હતો. સમિતિના આ અહેવાલને યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત બેઠકમાં મૂકવામાં આવ્યો હતો જેમાં સમિતિની ભલામણ ને સહર્ષ સ્વીકારવામાં આવી હતી. 

કચ્છના  સાંસદ અને યુવા નેતા વિનોદભાઈ ચાવડા એ આ કર્મચારીઓની રજૂઆત અને માગણીને ધ્યાને લઈ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને એમના હિતમાં નિર્ણય આવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું અને સતત સંકલન કરી,એનું નિરાકરણ લાવવા સક્રિય રહ્યાં હતાં. સાથોસાથ. તેઓની સાથે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સંઘના અગ્રણીઓ હિંમતસિંહજી વસણ, રવજીભાઈ ખેતાણી, યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સર્વે સભ્યશ્રીઓ મનોજભાઈ સોલંકી, કિરણભાઈ આહીર, કાંતાબેન સોલંકી, કેસરાભાઈ પીંડોરીયા, રામભાઈ ગઢવી તથા યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સર્વે સભ્યશ્રીઓ રાજેન્દ્રસિંહ જાડેજા અક્ષયભાઈ ઠક્કર સહિતના સૌ કોઈએ આ બાબતને હકારાત્મક રીતે લઈ સહકાર આપી યુનિવર્સિટીના તમામ બિનશૈક્ષણિક કર્મચારીઓનો હાલ મળી રહેલાં પગારના 50% રકમ જેટલો માતબર વધારો કરી કર્મચારીઓને અત્યાર સુધીનો સૌથી મોટો વધારો આપવા માટે ઠરાવ કરી કર્મચારીઓને ૧લી જાન્યુઆરી 2025 થી ચુકવણું કરવા ઠરાવતા તમામ કર્મચારીઓને  છ મહિનાઓનું 43 લાખ રૂપિયા એરિયસ પણ બે તબક્કામાં ચૂકવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

આટલો પગાર વધારો થતાં આ બાબતે કચ્છ યુનિવર્સિટી બિન શૈક્ષણિક કર્મચારી સંઘ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ પગાર વધારામાં જેમણે પણ સહયોગ આપ્યો એ સૌના પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરવા માટે એકત્રિત થઈ સૌનાં પ્રત્યે ઋણાનુભાવ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં પ્રારંભે યુનિવર્સિટીના મેનેજર એડમિનિસ્ટ્રેશન ડૉ. રામ સોંદરવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનો શાબ્દિક પરિચય કરાવ્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ બિન શૈક્ષણિક કર્મચારી સંઘના અધ્યક્ષા કૃપાલીબેન મહેચ્છાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. 

કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા એ કર્મચારીઓની વર્ષોની મહેનતને ધ્યાનમાં લીધી હતી અને સતત કચ્છ યુનિવર્સિટીની અને કચ્છના શિક્ષણની ચિંતા વ્યક્ત કરતા હોવાથી સૌ પ્રશ્નોથી પોતે વાકેફ હોવાનું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું સાથે સાથે આ પગાર વધારા માટે માગણી સંતોષાઇ છે ત્યારે હજુ કાયમી સમાવવા માટે ખૂટતી બાબતે સરકારમાં  સૌ બિન શેક્ષણીક કર્મચારીઓને પૂરા પગારમાં સમાવવામાં આવે તેવી રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી. અગાઉ તેઓએ આ બાબતે સરકારશ્રીમાં કરેલી રજૂઆતોને પણ ધ્યાન પર લઈ અટલી સફળતા મેળવી શકાય છે એનો ઉલ્લેખ કર્યો હતો. 

 દેવજીભાઈ વરચંદે કચ્છના શિક્ષણની અને ભારતીય શૈક્ષણિક પરંપરાની વાતો કરી હતી અને ભારતને આગળ લઈ જવા માટે સૌથી મહત્વનું એ શિક્ષણ જ એક માત્ર હથિયાર છે તેવું તેમના વક્તવ્યમાં જણાવી વધુ સારી રીતે આપણે યુનિવર્સિટી નું નામ કઈ રીતે બનાવી શકાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાનું આહવાન કર્યું હતું. 

હિંમતસિંહજીએ પોતાના વક્તવ્યમાં સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સૌ સાથે મળીને હકારાત્મક રીતે આગળ વધીએ અને કોઈપણ પ્રશ્નનું નિરાકરણ સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને જ લાવી શકાય તેવું જણાવ્યું હતું અને આ એનું જ પરિણામ છે તેમ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. 

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં સૌ સાથે મળીને યુનિવર્સિટીને વધુ આગળ લઈ જઈ શકાય એ દિશામાં પ્રયત્ન કરવા માટે અને એમના કાર્યકાળ ના સમયમાં યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. યુનિવર્સિટીને અત્યાર સુધી જે કામો બાકી હતા એમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી, કર્મચારીઓનો પગાર વધારો યુનિવર્સિટીને નેકની માન્યતા અપાવી અને ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે એ દિશામાં પણ કામ ચાલુ હોવાનું ઉલ્લેખ કરી સર્વ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સાથોસાથ આ કામમાં સહકાર આપનાર માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા, શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી હિંમતસિંહજી વસણ, શ્રી રવજીભાઈ ખેતાણી, શ્રી મનોજભાઈ સોલંકી, કિરણભાઈ આહીર, રામભાઈ ગઢવી પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. સાથે તેઓએ રાજેન્દ્રસિંહ જાડેજા અને અક્ષય ઠક્કરના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.

અંતમાં આભાર વિધિ કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી રામભાઈ ગઢવીએ કરી હતી એમણે ઉપસ્થિત સૌ માનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે ગુજરાતની યુનિવર્સિટીઓના ઇતિહાસમાં આટલો પગાર વધારો એક સાથે કોઈપણ યુનિવર્સિટીએ આજ દિન સુધી નથી આપ્યો એ વાત કરતા કચ્છ યુનિવર્સિટીને અને કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(9:27 AM IST)