News of Saturday, 5th July 2025
સમગ્ર કચ્છ જિલ્લામાં ભાજપ મેરેથોન કેમ્પો યોજી ૭૦ વર્ષથી ઉપરના વડીલોને આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જાહેર કરાયેલ યોજના મુજબ ૧૦ લાખ સુધીની સારવાર ફ્રી, વયસ્ક વડીલો માટે આવકની કોઈ મર્યાદા નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા જ આયુષ્માન કાર્ડ મળી જશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી દ્વારા વયસ્ક નાગરિકો માટેની વયવંદના યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ જિલ્લાભરમાં કેમ્પો યોજી પ્રચાર-પ્રસાર કરવાની કાર્યવાહી મોટેપાયે હાથ ધરાઈ રહી છે.
વયવંદના કાર્યક્રમનો દેશભરના ૭૦ વર્ષથી વધુ વયના લોકોને મહત્તમ લાભ મળે અને આ સંદર્ભે જાગૃતિ આવે એવા એકમાત્ર હેતુથી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તા. ૧થી ૧૦ જુલાઇ દરમ્યાન જિલ્લાભરમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોએ કેમ્પો યોજાઇ રહ્યા છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ જીલ્લાના તમામ શહેરી મંડલોમાં તમામ વોર્ડમાં તેમજ તાલુકા મંડલોમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ તાલુકા પંચાયત સીટ પર વય વંદના કાર્યક્રમોના કેમ્પો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ભુજ શહેરમાં ૧૧, માંડવી શહેરમાં ૯, મુન્દ્રા શહેરમાં ૭, અંજાર શહેરમાં ૯, ગાંધીધામ શહેરમાં ૧૩, ભચાઉ શહેરમાં ૭, રાપર શહેરમાં ૭ વોર્ડમાં જ્યારે તાલુકા કક્ષાએ ગ્રામ્ય મંડલોમાં લખપત તાલુકામાં ૧૬, અબડાસા તાલુકામાં ૧૮, નખત્રાણા તાલુકામાં ૨૦, ભુજ તાલુકામાં ૩૨, માંડવી તાલુકામાં ૨૦, મુન્દ્રા તાલુકામાં ૧૮, અંજાર તાલુકામાં ૨૦, ગાંધીધામ તાલુકામાં ૬, ભચાઉ તાલુકામાં ૨૦, રાપર તાલુકામાં ૨૪ તાલુકા પંચાયત બેઠકો સહિત સમગ્ર જિલ્લામાં ૨૫૭ થી વધુ સ્થાનો પર વય વંદના નોંધણીના કેમ્પો યોજવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અન્વયે ૭૦ વર્ષ થી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધારકાર્ડ વેરિફિકેશનથી જ આયુષ્માન કાર્ડ મેળવી શકશે. આ યોજનાનો ૨૯ નવેમ્બર, ૨૦૨૪થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો છે. આ કાર્ડથી તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા વગર ૧૦ લાખ સુધીની મફત સારવાર મળી શકશે.
આ યોજના અંગેની જાગૃતિ માટે ભુજ શહેર ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, તથા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિવિધ વોર્ડ દીઠ યોજાયેલા કેમ્પોની મુલાકાત લીધી હતી. એવી જ રીતે ગાંધીધામ શહેરમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર શહેરમાં દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, બિદડા ખાતે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના આગેવાનોએ પાર્ટીના કાર્યકરો સાથે રહીને કેમ્પની મુલાકાત લીધી હતી.
વયવંદના યોજના અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દેશના વયસ્ક નાગરિકોની સતત ચિંતા અને સારસંભાળ માટે પગલાં લેવાઈ રહ્યાં છે. વડીલો હવેથી આરોગ્યની કોઈપણ સારવાર સરળતાથી મેળવી શકશે. આ કલ્યાણકારી યોજના વાટે જિલ્લાભરમાં વયસ્ક નાગરિકોને આ યોજનાનો ઉત્કૃષ્ઠ લાભ મળે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવાના છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે આવી સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે, તે જ રીતે આ યોજનાનો લાભ પણ મહત્તમ નાગરિકને મળે તે હેતુથી જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં ઝુંબેશ ચાલી રહી છે.
જેની અંતર્ગત આ વય વંદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ મુખ્યત્વે સંકલ્પથી સિદ્ધિ અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ તરીકે પૂર્વ જીલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ ખંડોર જ્યારે આ વયવંદના કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ તરીકે ભુજ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા જવાબદારી સંભાળી રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
