News of Saturday, 5th July 2025
દ્વારકામાં ધોધમાર ૪, લખતરમાં ૩ાા, કલ્યાણપુર-સાયલા-વઢવાણમાં ૩ ઇંચ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસતો હળવો-ભારે વરસાદ યથાવતઃ સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો - ભારે વરસાદ યથવાત છે. આજે સવારે દેવભૂમિ દ્વારકામાં ધોધમાર ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે સુરેન્દ્રનગરના લખતરમાં સાડા ૩ ઇંચ, કલ્યાણપુરમાં ૩ અને સાયલા તથા વઢવાણમાં પણ ૩ ઇંચ વરસાદ વરસ્યો છે.
આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. અને મેઘાવી માહોલ યથાવત છે.
દ્વારકા
(વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી, કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં દ્વારકામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.
જયારે કલ્યાણપુરમાં ૩ ઇંચ, ભાણવડમાં દોઢ ઇંચ અને ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. લખતરમાં સાડા ૩ ઇંચ, સાયલા - વઢવાણમાં ૩ ઇંચ, થાનગઢમાં પોણા ર ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે ધ્રાંગધ્રા, ચુડા, મુળીમાં ઝાપટા પડયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. સવારથી મેઘરાજાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવવાનું શરૂ કરતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.છેલ્લા ગઈકાલથી જુનાગઢ સહિત સોરઠમાં ધીમીધારે મેઘકળપા વરસી રહી છે. આજે પણ જુનાગઢ જિલ્લામાં જ મેઘરાજાએ સવારથી પડાવ કર્યો છે. જુનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જુનાગઢની સાથે સાથે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી મેઘો મહેરબાન થયો છે. સમગ્ર જિલ્લાને મેઘરાજાએ આવરી લેતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
ગીર સોમનાથ
(દિપક કકકડ દ્વારા) વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં પોણો ઇંચ, સુત્રાપાડા-કોડીનારમાં અડધો ઇંચ તથા ગીરગઢડા, તાલાલા, ઉનામાં, ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર શહેરમં એક ઇંચ, ધ્રોલમાં, પોણા ર ઇંચ, જામજોધપુરમાં કાલે પોણો ઇંચ વરસ્યા બાદ આજે સવારે ઝાપટારૂપે પ મી. મી. વરસાદ પડયો હતો.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : જીલ્લાના ખાંભામાં દોઢ, રાજુલામાં એક, બાબરા-લાઠીમાં પોણો, ધારીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. (પ-ર૦)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
