News of Saturday, 5th July 2025
ભાવનગરના મહુવામાં જમાઇના હાથે સાસુ- સસરાની હત્યા
મૃતક દંપતિને સંતાનમાં ૭ દિકરીઓ અને એક ૮ વર્ષનો દિકરોઃ ૪ દિકરીઓના લગ્ન થઇ ગયા છે

પત્નિ પિયર જતી હતી અને બીજા લગ્ન કરી લીધા હોવાથી તેની દાઝ રાખીને રમેશભાઇ વિરાભાઇ ડોણાશીયા અને ભારતીબેન ડોણાશીયાને અજય રાજુભાઇ ભીલે મોતને ઘાટ ઉતારતા હાહાકાર
(મેઘના વિપુલ હિરાણી- રહીમ વસાયા દ્વારા) ભાવનગર- મહુવા તા.પઃ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતિ પોતાના ઘરે હતું તે વેળાએ તિક્ષ્ણ છરી સાથે ધસી આવેલા જમાઇએ સાસુ-સસરા ઉપર અચાનક જીવલેણ હુમલો કરી દંપતિને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્રણ સંતાનની માતાએ બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ-સસરાની હત્યા નિપજાવી હોવાનુંજાણવા મળેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા, શાળા નં. ૭ નજીક રહેતા રમેશભાઇ વીરાભાઇ ડોળાસીયાઉ.વ.૪૫ તેમજ તેના પત્ની ભારતીબેન રમેશભાઇ ડોળાશીયા ઉ.વ.૪૦ બંન્ને પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમનો જમાઇ અજય રાજુભાઇ ભીલ ઉ.વ ૩૦ ઘરે આવ્યો હતો. જે બાદ અજય ભીલે તેમની પત્નિ સાથેના ઘર કંકાસને લઇ સાસુ-સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ અજય ભીલે ઉશ્કેરાઇ જઇ દંપતિ કંઇ સમજે એ પહેલા જ દંપતિ ઉપર જીવલેણ હુમલો કરી પેટના ભાગે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દેતા દંપતિ લોહિલુહાણ થઇ ઘરમાં પટકાયા હતા જેમાં દંપતિનું મોત થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. આરોપી જમાઇ અજય ભીલ હત્યા કરી નાસી ગયો હતો. દંપતિની હત્યાની જાણ પાડોશમાં થતાં લોકોના મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આરોપી અજય અને તેમના પત્નિવચ્ચે અણબનાવ હતો. અને બંન્નેને ત્રણ સંતાનો હતા જેને તરછોડી અજયની પત્નીએ બીજા લગ્ન કરી લેતા જેની દાઝ રાખી સાસુ-સસરાને મોતને ઘાટ ઉતારી દિધા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી સાસુ -સસરા ની હત્યા કરી નાસી છૂટેલા આરોપી જમાઈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં મહુવાના એ.એસ.પી.અંશુલ જૈન અને પી.આઈ.ભરવાડ સહિત નો પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તે વેળા એ રમેશભાઈનો મળતદેહ ઘર ની બહાર નાં ભાગે જ્યારે ભારતીબેન નો મળતદેહ રૂમમાં લોહી થી લથપથ તી હાલતે મળી આવ્યો હતો બેવડી હત્યા ના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા જ્યારે પોલિસે મળતક દંપતી નાં પોસ્ટ મોર્ટમ અર્થે મહુવા સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર રમેશભાઈ વિરાભાઈ ડોણાશીયા અને ભારતીબેન રમેશભાઈ ડોણાશિયા ને સંતાનો માં સાત દિકરીઓ અને એક આઠ વર્ષ નો દિકરો હોવાં નું પ્રાથમિક માહિતીમાં જાણવા મળેલ રમેશભાઈ છુટક મજુરી કરી ને પોતા નું ગુજરાન ચલાવતા જેમાં ચાર મોટી દીકરી ઓના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા મળ્યા છે.(૨.૨૩)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
