News of Saturday, 5th July 2025
આજે “બેગલેસ ડે” ના પ્રથમ દિવસે કચ્છના રાપરની સરકારી કન્યા શાળાએ બાળ સંસદ યોજી ઉજવ્યો “જોયફૂલ સટર ડે”
ભણતરના ભાર વગર આનંદ સાથે બાળકોએ મેળવ્યું દેશની લોકશાહી વિશેનું શિક્ષણ : ચૂંટણી બાદ મતગણતરી મત પેટીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે

(વિનોદ ગાલા, દ્વારા)ભુજ તા.૫ : આજથી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવાર ગુજરાત સરકાર દ્વારા ’જોયફૂલ સેટરડે' ’બેગલેસ ડે’ ઉજવવાની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત રાપરની શ્રી અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળામાં આજે ૦૫/૦૭/૨૦૨૫ ના શનિવારે સવારે સમૂહ કવાયત અને ત્યારબાદ બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળાના હેડ સ્ટુડન્ટ માટે છ ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. જેમાં મકવાણા દિવ્યા, પટેલ ડિમ્પલ, સાધુ નિધિ, ગોસ્વામી હેતવી, રજપૂત જ્યોતિ, અને કણો ધૃષ્ટિએ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેઓને શાળાના આચાર્ય દ્વારા વિવિધ નિશાનો પણ ફાળવવામાં આવ્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વાસ્તવિક ચૂંટણીની જેમ જ યોજવામાં આવી હતી. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ધોરણ છ ની વિદ્યાર્થીની ઠક્કર દિવ્યા ની, પોસ્ટ પોલિંગ ઓફિસર તરીકે ચૌધરી વિનિશા, સેકન્ડ પોલિંગ ઓફિસર તરીકે ચૌધરી વૈશાલી અને મહિલા પોલીસ ઓફિસર તરીકે શેખ સુમૈયાએ ફરજ બજાવી હતી. સુરક્ષાકર્મી તરીકે ગોસ્વામી દ્રષ્ટિ અને સેવક તરીકે ઠાકોર બિનલે ફરજ બજાવી હતી. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણી બાદ મતગણતરી મત પેટીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે. ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો સ્ટાફ મકવાણા અનુપસિંહ, હેમાબેન, રશ્મિકાબેન તથા શાળાના આચાર્ય વિજય જાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ બાળકોએ ખરા અર્થમાં ભણતરના ભાર વગર આનંદ સાથે શિક્ષણ મેળવ્યું હતું. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
