<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

વ્યાપાર ઉદ્યોગ જગત, પોરબંદર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના વેરા સંબંધે અપાયેલા 'બેજવાબદાર' નિવેદનોની સખ્ત શબ્દોમાં નિંદા : 'બાર વર્ષે બાવો બોલ્યો' કહેવત સાર્થક કરતા નિવેદનો સામે ઉગ્ર પ્રત્યાઘાત

અસહ્ય વેરા વધારા સામે છેલ્લા ત્રણ માસથી વ્યાપક વિરોધ અને લોકજુવાળ ફાટી નીકળ્યો હોવા છતાં, ચેમ્બર ઓફ કોમર્સ પોરબંદરના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયાના નિવેદનો પર વ્યાપાર ઉદ્યોગ જગતે કર્યા સવાલો

પરેશ પારેખ દ્વારા, પોરબંદર, : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલા નવા કરવેરા અને નામ ટ્રાન્સફર ફીના અસહ્ય વધારા સામે વ્યાપાર ઉદ્યોગ જગત, પોરબંદર દ્વારા 'બેજવાબદાર' નિવેદનો આપવા બદલ સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. 'વ્યાપાર ઉદ્યોગ જગત પોરબંદર' દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તા.૧૫-૦૩-૨૦૨૩ ના રોજ જાહેર સૂચનાથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ ૨૭૧ અન્વયે સામાન્ય સભાના ઠરાવ નંબર ૧૪૬ તા. ૧૫-૧૦-૨૦૨૨ થી મંજુર કરેલ કરવેરાના સુધારા નિયમો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આ અસહ્ય વધારા સાથેના સુધારેલા દરો અમલી કરવા વર્ષ-૨૦૨૪ માં મહાનગરપાલિકાની જાહેરાત થઈ ગયા બાદ છેલ્લી જનરલ બોર્ડમાં અમલી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

વેરા વધારા સામે વ્યાપક વિરોધ અને લોકજુવાળ
આ વેરા અને અન્ય નવા દાખલ કરાયેલા વેરાઓ અન્ય શહેરોના પ્રમાણમાં ખુબ વધુ અને ગેરવ્યાજબી હોવાથી લગભગ ત્રણ માસથી વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. પ્રજાજનોનો લોકજુવાળ રીતસર ફાટી નીકળ્યો છે, અને ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.

જીગ્નેશભાઈ કારીયાના નિવેદનો સામે સવાલો:
વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા વધુમાં જણાવાયું છે કે આવા ઠરાવો કોઈ વ્યક્તિગત હોઈ ન શકે, તે ચુંટાયેલ બોડી અને પક્ષના સામુહિક નિર્ણય હોઈ શકે. ત્યારે આ પાર્ટીના કોઈ પ્રવક્તા કોઈપણ નિવેદન કે સ્પષ્ટતા આપે તે સમજી શકાય, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સ પોરબંદરના કહેવાતા પ્રમુખ જીગ્નેશભાઈ કારીયાને આ બાબતે બોલવાનો અધિકાર કોણે આપ્યો હશે, તે મોટો પ્રશ્ન છે. તેમના આ નિવેદનો આજસુધી આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનો બચાવ કરવાના એકમાત્ર હેતુ સાથે આપેલા 'અર્થવિહોણા' નિવેદનો હોવાનું જોવા મળે છે.

'ત્રણ માસ ક્યાં હતા?' નો પ્રશ્ન:
નિવેદનમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે પોરબંદર નગરપાલિકાના કરવેરા અને નામ ટ્રાન્સફર ફીનો વિરોધ અને વિવાદ તો છેલ્લા ત્રણેક માસથી ચાલે છે. અમારા સહિત અનેક લોકોએ આ બાબતે રજૂઆતો કરી છે, તો આ ત્રણ માસ જીગ્નેશભાઈ ક્યાં હતા? હજુ થોડા દિવસો પહેલાં જ બીરલા હોલના એક કાર્યક્રમમાં અનેક અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત હતા, ત્યારે પણ રજૂઆત કરવાની તસ્દી ન લીધી. આજસુધી આ સંસ્થાના એકપણ હોદ્દેદાર કે કારોબારી સભ્ય તરફથી વિરોધ પણ થયેલ નથી, અને અચાનક બીમારીની હાલતમાં આવા નિવેદનો અને પ્રેસનોટની શું જરૂર પડી હશે?

નિવેદનના અંતે, આવા બેજવાબદાર નિવેદનો આપવાને બદલે, જે સંસ્થામાં વર્ષોથી તેઓ કાર્યરત છે તે સંસ્થાનો હોદ્દો અને જવાબદારી સંસ્થાના હિત માટે છોડી દેવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. આ નિવેદન કરનારાઓમાં નીચે મુજબના વ્યાપારી આગેવાનોનો સમાવેશ થાય છે:
૧) નલીનભાઈ રસીકલાલ કાનાણી
૨) ચંદ્રેશભાઈ મોહનલાલ સામાણી
૩) રાજેશભાઈ એન. બુધ્ધદેવ
૪) સંજયભાઈ વી. કારીયા
૫) જીતેન્દ્ર વૃજલાલ મદલાણી
૬) અમીતભાઈ નાથાલાલ ખોડા
૭) રાજેશ ધીરજલાલ માંડવીયા

 

(9:10 PM IST)