તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
કોડીનાર આસપાસના ગામોમાં સિંહોનો અડિંગોઃ વરસાદી માહોલમાં રેવન્યુ વિસ્તારમાં ધામા
૯ સિંહ પરિવાર મિતિયાજ ગામે ખેડૂતના પશુઓનું મારણ કરી મીજબાની માણી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૭: કોડીનાર તાલુકાના મિતીયાજ સહિત આસપાસના ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી જંગલી જાનવરોનો આતંક જોવા મળી રહ્યો છે. ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે સિંહોએ જંગલ છોડી રેવન્યુ વિસ્તારો તરફ ધામા નાખ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગત રાત્રીના આશરે ૩ વાગ્યાના સુમારે, મિતીયાજ ગામના માલીવાવ વિસ્તારમાં નવ સિંહોના એક પરિવારે ત્રાટકતાં ગામના લોકો ફફડી ઉઠ્યા હતા. માલીવાવ વિસ્તારમાં રહેતા ખેડૂત બાબુભાઈ પરબતભાઈ ગોહિલના પશુઓનું સિંહ પરિવારે મારણ કરી મિજબાની માણી હતી. સિંહ પરિવારે ખેડૂતના વાડામાં જ ધામા નાખતા, ખેડૂત પરિવારે આખી રાત ભયના ઓથાર હેઠળ વિતાવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ, મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ અને ગ્રામ પંચાયતના સદસ્ય લલિત વાળા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, ભોગ બનનાર ખેડૂતને સહાય મળે તેવી માંગ કરી હતી.
સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા, ફોરેસ્ટ વિભાગના અધિકારી રાઠોડ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ધોરણે સર્વે કરવા મિતીયાજ ગામ પહોંચ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.
વરસાદની મોસમમાં સિંહોનું રેવન્યુ વિસ્તારમાં આવી જવું સામાન્ય બાબત છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું એકસાથે ગામમાં પ્રવેશવું ચિંતાજનક બાબત છે. સ્થાનિકોએ વન વિભાગ દ્વારા સિંહોને ફરી જંગલ વિસ્તારમાં ધકેલવા અને ગ્રામજનોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
