<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

૯ લાખની તોડના કેસમાં પીએસઆઈ સહિત ૪ આરોપીને ત્રણ વર્ષની જેલ :માંડવીની કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

પીએસઆઈ સુનિલ દલદુઃખ વૈષ્ણવ,ભરત મહેશ્વરી, અકબરશા સૈયદ, મામદ ઉમર જત અને મોહમ્મદ સલીમ હિંગોરજાને સજા ફટકારતો હુકમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  કચ્છના માંડવીના નાગલપર ગામના બિલ્ડર દેવજી ખીમજી હીરાણી ઠગાઈના કેસમાં ઠગાયા બાદ આ અંગેની જાણ થતા માંડવી સ્ટેટ આઇબીના તત્કાલીન પીએસઆઇ સુનિલ દલસુખ વૈષ્ણવ સહિત ૪ શખ્સો દ્વારા ધાકધમકી કરી નકલી નોટના કેસમાં ફસાવી દેવાનું જણાવી ૯ લાખની તોડ કરાઇ હતી. વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલા આ ગુનામાં ફરિયાદી દેવરાજભાઇએ ત્રણ વર્ષ પહેલા ૨૦૧૫ માં ડબલ કરવાની લાલચે ભરત મહેશ્વરીના કહેવાથી અકબરશા સૈયદને રૂ. ૩ લાખ આપ્યા હતા. ત્યાર બાદ પોતે ઠગાયા છે એવી જાણ તેમને થઈ હતી. એ દરમ્યાન સ્ટેટ આઇબીના પીએસઆઈ સુનીલ વૈષ્ણવે રૂપિયા ગુમાવનાર દેવરાજભાઈને ધમકી આપી હતી કે તેમણે આપેલી નોટો નકલી છે. તેઓ નકલી નોટના ગુનામાં ફીટ થઈ જશે. આ સમગ્ર મામલો પતાવવા ૧૫ લાખ રૂપિયા માંગ્યા હતા છેલ્લે ૯ લાખમાં તોડ થયો હતો. આ અંગે દેવરાજભાઈએ મોડેથી પીએસઆઈ સહિત ૪ જણ સામે ફરિયાદ કરી હતી તે અંગે કેસ ચાલતા માંડવી કોર્ટે પીએસઆઈ સુનિલ દલદુઃખ વૈષ્ણવ ઉપરાંત ભરત મહેશ્વરી, અકબરશા સૈયદ, મામદ ઉમર જત અને મોહમ્મદ સલીમ હિંગોરજાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારતો હુકમ કર્યો છે.

(9:27 AM IST)