<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ચરાડવામાં બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ભાવવંદના સાથે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

શ્રી મહાકાળી આશ્રમના મહંત પૂ. અમરગીરીજી મહારાજ પૂજન અર્ચન કરશેઃ ભાવિકોને આર્શિવચન પાઠવશે : ભોજનપ્રસાદ : કાલે બપોરે ૩ વાગ્‍યાથી ચરાડવા મહિલા મંડળ દ્વારા ધૂનઃ રાત્રીના સંતવાણી-ભજન

રાજકોટ, તા. ૯: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ભાવવંદના સાથે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરાશે.

બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજના કૃપાપાત્ર શિષ્‍ય પૂ. અમરગીરીજી મહારાજના હસ્‍તે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ભાવવંદના સાથે પૂજન, અર્ચન કરવામાં આવશે. આ તકે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે અને પૂજન, અર્ચનનો લાભ લેશે. પૂ. અમરગીરીજી મહારાજ ભાવિકોને આર્શિવચન પાઠવશે. બપોરે ૧ર વાગ્‍યાથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.આ તકે કાલે તા. ૧૦ ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ ચરાડવાના મહિલા મંડળ દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્‍યું છે. જયારે રાત્રીના ૯ વાગ્‍યે ભજન-સંતવાણી યોજાશે જેમાં કલાકારો દિનેશભાઇ બાવરવા, અજયભાઇ મીયાત્રા, ઉસ્‍તાદ કિરીટભાઇ પટેલ, બેૅજો વાદક રમેશભાઇ ઠાકોર પોતાની કલા રજુ કરશે.ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના પૂ. દયાનંદગીરીજી મહારાજ થોડા સમય પહેલા બ્રહ્મલીન થયા છે તેઓની સમાધી સમયે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

આ વર્ષે પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં ગુરૂપૂર્ણિમાં ઉત્‍સવ ઉજવાશે.(૬.૩)

(12:33 PM IST)