<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

જુનાગઢમાં ઓટો સર્વિસ સેન્‍ટરમાં કાર સાથે ઘૂસી વર્કશોપ મેનેજરને માર્યો

એટ્રોસિટીના ખોટા પોલીસ કેસમાં સંડોવી દેવાની ધમકી પણ દીધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: જૂનાગઢમાં ઓટો સર્વિસ સેન્‍ટરમાં કાર સાથે ઘૂસી વર્કશોપ મેનેજરને માર મારી ધમકી પણ આપી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ઇગલ મંદિરની સામે જીઆઇડીસી ૦૧માં પરફેક્‍ટ ઓટો સર્વિસ સેન્‍ટરમાં મંગળવારે બપોરે જીજે ૧૧ સીકયુ ૦૭૩૧ નંબરની કાર રીપેરીંગ કરવા ત્રણ શખ્‍સ આવ્‍યા હતા. અને ગેટ પર એન્‍ટ્રી કરાવ્‍યા વગર સીધા વર્કશોપમાં કાર લઇ આવી જોબ કાર્ડ નંબર મેળવ્‍યા વગર સ્‍પેરપાર્ટની બારી પાસે જઈ સ્‍પેરપાર્ટ ખરીદ કરવાનું કહ્યું હતું. આથી ૬૦ વર્ષીય વર્કશોપ મેનેજર સુરેશભાઈ જમનભાઈ ટીલવાએ શખસોને સમજાવતા ઇમરાન ઉર્ફે કાનો જૂણેજા અને અતિક નામના શખ્‍સે બોલાચાલી કરી ઇમરાને ઝાપટ મારી દીધી હતી અને પ્‍લાસ્‍ટિકનો પાઈપ લઈ મારવા લાગ્‍યો હતો.

સ્‍ટાફના માણસોએ પાઇપ પકડી લીધો હતો. બંને શખ્‍સે સ્‍ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇમરાને તેના મોબાઈલમાં વિડીયો ઉતારી પોલીસમાં ફરિયાદ કરશો તો એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી ખોટા પોલીસ કેસમાં સંડોવી દઈશું એવી ધમકી આપી નાસી ગયા હતા.

આ બનાવ અંગે વર્કશોપ મેનેજરે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(1:17 PM IST)