તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th July 2025
કચ્છના દરિયાકાંઠેથી તરીને 33 જેટલા ઊંટ દ્વારકા ખાતે પહોંચ્યાં: તમામનું રેસ્ક્યૂ કરાયુ
ખારાઈ ઊંટ એશિયામાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ: વાડીનાર પોલીસે તમામ ઊંટોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું અને તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે,જેમાં કચ્છ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી હતી. કચ્છના દરિયાકાંઠેથી તરીને 33 જેટલાં ઊંટ દ્વારકાના દરિયાકાંઠે આવી પહોંચ્યા હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્ત્વનું છે કે ખારાઈ ઊંટ એશિયામાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ કહેવાય છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના સીંગચ ગામના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિનાં ઊંટોને લઈને કચ્છના કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરિયા વનસ્પતિ ખવડાવા માટે લઇ ગયા હતા. આ સમય દરમિયાન અતિભારે વરસાદને કારણે 33 જેટલાં ઊંટ દીનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઈ ગયાં હતાં, જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. અને બાદમાં તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સોમવારના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેટી પાસે 33 જેટલા ઊંટ દરિયાઇ પાણીમાં ફસાયા હોવાની માહિતી વાડીનાર મરીન પોલીસને મળી હતી. જેના આધારે તાત્કાલિક અસરથી વાડીનાર મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ શુક્લ, વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના અન્ય છ જેટલા પોલીસ ઓફિસર અને વાડીનાર ગામના 10 જેટલા સ્થાનિક લોકો દ્વારા દરિયાઈ પાણીમાં ફસાયેલા 33 જેટલા ઊંટનું સફળતા રેસ્ક્યુ કર્યું હતું.
સમગ્ર ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઇ શુક્લએ જણાવ્યું કે, સોમવારના રોજ અંદાજે 11 થી 12 વાગ્યાના આસપાસ વાડીનાર જેટી ખાતે હાજર પોલીસ સ્ટાફ દ્વારા દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ ફસાયા હોવાની જાણ કરવામાં આવી હતી. તે અંગે અમને જાણ થતાં તાત્કાલિક અસરથી હું તેમજ અમારો પોલીસ સ્ટાફ તેમજ વાડીનાર વિસ્તારમાં રહેતા રબારી સમાજના લોકો જેઓ ઊંટ પાલનના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં દરિયાઈ પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી હતી. જોકે, બાદમાં દરિયાઈ પાણીનો પ્રવાહ ઓછો થતાં અંદાજે બે થી ત્રણ કલાક જેટલા સમયમાં તમામ ઊંટને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દરિયાઈ ભરતીના કારણે તમામ ઊંટ દરિયાઇ પાણીમાં ફસાઈ ગયા હતા. તે તમામ ઊંટ મીઠા પાણીના ઊંટ છે.
મહત્ત્વનું છે કે આટલું લાંબુ અંતર કાપ્યા બાદ પણ તમામ ઊંટો સહી સલામત છે. મૂળ કચ્છના ખારાઈ ઊંટ એશિયામાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે, જે પોતાનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોંધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે.
ખારાઇ ઊંટની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખારાઇ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઈ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફક્ત ખારાઇ ઊંટમાં જ છે, અન્ય કોઈ ઊંટમાં નથી. આ ઊંટોને અન્ય ઊંટો કરતાં અલગ પાડે છે. દરિયાઈ ખાડીમાં થતી ચેર વનપસ્પતિનાં પાંદડાં ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરિયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારી જાર,પીલુડી જેવી વનસ્પતિનું ખારાઈ ઊંટ ચરિયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઈ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ એનો આહાર હોવાથી એ ખારાઇ તરીકે ઓળખાય છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
