તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 9th July 2025
ખાડાનગરી મોરબીમાં કંટાળેલા લોકોનો શનાળા રોડ ઉપર ચક્કાજામ
લોકો રસ્તા ઉપર ઉતર્યા, ખાડાને સફેદ ચાદર ઓઢાડીને વિરોધ પ્રદર્શન કર્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯: મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે. જેને કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં શ્રી કુંજ- ૧, શ્રી કુંજ - ૨, અવધ -૧, અવધ - ૪ , સરદાર, ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલ છે. આ સોસાયટીના રહીશોનો રોષ ફાટી નીકળતા મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યું આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી. આખું મોરબી જ ખાડામાં છે. નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી. ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો આ રોડના પ્રશ્નનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવુ જ નહીં. આ સાથે સ્થાનિકોએ ખાડા બુરો, રોડ બનાવોના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા.
પરિણામે મહાપાલિકાના ઇન્ચાર્જ સિટી ઈજનેર કેવલભાઇ અને પાણી પુરવઠાના અધિકારી પિયુષ મકવાણા સહિતના અધિકારીઓ અહીં આવ્યા હતા. તેઓ સ્થાનિકોને મળ્યા હતા. પણ સ્થાનિકોએ ચોખ્ખા શબ્દોમાં તેમને કહી દીધું હતું કે તમે નહીં, માત્ર મ્યુનિસિપલ કમિશનર જ અહીં આવશે તો અમે વાત કરીશું. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોની ત્યાં આવતા સ્થાનિકોએ તેઓની સાથે જઈ રોડ રસ્તાની ખરાબ હાલત દેખાડી હતી.
ચમત્કારને નમસ્કાર એ આને કહેવાય,મોરબીના કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોએ શરૂ કરેલો ચક્કાજામ અંદાજે ત્રણ કલાક બાદ હટાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે ત્યાં આવી રોડની હાલત રૂબરૂ જોયા બાદ ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા મામલો થાળે પડ્યો છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડની બહુ જ ખરાબ હાલતને કારણે શનાળા રોડ ઉપર સ્થાનિક સોસાયટીના મોટી સંખ્યામાં રહીશોએ કરેલા ચક્કાજામને પગલે વાહન વ્યહવાર ખોરવાયો જેથી શનાળા રોડ ઉપર અંદાજે ત્રણ કિમી લાંબો ટ્રાફિક જામ થતા વાહન વ્યહવાર અને કાયદો અને વ્યવસ્થા જાળવવા એ ડિવિઝન પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ખડકી દીધો જ્યારે ટ્રાફિકજામમાં ફસાયેલી સ્કૂલ બસના બાળકોને ચક્કાજામ કરનાર લોકોએ નાસ્તો કરાવી માનવતા દર્શાવી હતી.
બે કલાકથી વધારેના હલ્લાબોલ બાદ સમસ્યાઓની રજુઆત કરી કંટાળેલા લોકો કોઈ વાતે માનવા તૈયાર નહોતા અને સમુહમાં ગુસ્સો ઠાલવી એક ના બે થવા તૈયાર નહોતા. દરમિયાનમાં મોરબી જીલ્લા પંચાયત ના ચેરમેન અને સેવાભાવી અજયભાઇ લોરીયાની સમજાવટ અને કામ કરી આપવાની બાહેંધરી બાદ મામલો થાળે પડ્યો હતો.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
