<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

મોરબીમાં ચક્કાજામનો એક ટ્રેન્ડ બની ગયો, આજે લાતીપ્લોટના કારખાનેદારોએ કર્યો ચક્કાજામ

રસ્તા રોકો આંદોલન માટે જવાબદાર કોણ ? આંદોલન કરે તો જ જવાબ આપશે તંત્ર ?

( પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીમાં વર્ષોથી તુરેલા રોડ રસ્તા સહિતના પ્રશ્નોને મૂંગે મોઢે સહન કરતી પ્રજાની હવે ધીરજ જાણે કે ખૂટી ગઈ હોય તેમ આંદોલનનો મૂડ બનાવી લીધો છે અને ગઈકાલે શનાળા રોડ ચક્કાજામના દ્રશ્યો બાદ આજે ફરીથી શનાળા રોડ આંદોલનનું મેદાન બન્યું હતું આજે લાતીપ્લોટના કારખાનેદારો મેદાને પડ્યા છે

મોરબીના લાતીપ્લોટમાં અનેક ઘડિયાળ ઉદ્યોગના એકમો કાર્યરત હોવા છતાં વર્ષોથી તંત્ર અહી સારા રોડ રસ્તાની સુવિધા આપી શક્યું નથી ચોમાસામાં સ્થિતિ બદથી બદતર જોવા મળે છે અનેક રજૂઆત કરી થાકી ગયેલા કારખાનેદારોએ હવે તંત્ર સામે મોરચો માંડી દીધો છે આજે લાતીપ્લોટના કારખાનેદારોએ શનાળા રોડ પર રસ્તા રોકો આંદોલન કરતા ફરીથી ટ્રાફિકની અફરાતફરી સર્જાઈ હતી આજે ફરી રસ્તા રોકો આંદોલનને પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો

નાગરિક સમજી ગયા કે, ચમત્કાર વિના નમસ્કાર નહિ

મોરબીવાસીઓ વર્ષોથી રોડ રસ્તા જેવી સમસ્યા સહન કરી રહ્યા છે અને વર્ષોથી મોરબીમાં રાજ કરી રહેલા ભાજપના ધારાસભ્ય કે નગરપાલિકા તંત્રએ ક્યારેય પ્રજાની વેદના સમજી નથી વર્ષોથી દબાવી રાખેલ ગુસ્સો હવે રોડ પર જોવા મળી રહ્યો છે અને નાગરિકોએ ચમત્કાર વિના નમસ્કાર નહિ તે સૂત્ર સમજી લીધું હોય તેમ એક બાદ એક આંદોલન જોવા મળી રહ્યા છે ત્યારે ચક્કાજામ ટ્રેન્ડ માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે

અધિકારની લડાઈના નિર્દોષ નાગરિકોના અધિકાર છીનવાઈ રહ્યા છે

વિવિધ વિસ્તારના રહીશો કે કારખાનેદારો અને વેપારીઓ તંત્રને જગાડવા માટે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે પરંતુ મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળતી હોય છે અને આંદોલનને પગલે અન્ય નાગરીકોને ભારે હાલાકી સહન કરવી પડે છે આંદોલનને કારણે ટ્રાફિકની અફરાતફરી સર્જાતી જોવા મળે છે એક નાગરિકની અધિકારની લડાઈમાં અન્ય નિર્દોષ નાગરિકોને હેરાન થવું પડે છે ત્યારે તંત્ર હવે સમજશે કે પછી ચક્કાજામ ટ્રેન્ડ હજુ પણ સતત જોવા મળશે તેવી ચર્ચા જોવા મળી રહી છે

(2:15 PM IST)